84 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 2જી. વૈષ્ણવ 2 જા. કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિયની વાર્તા.
પ્રસંગ 1 :- જયારે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી ત્યારે સાથે કૃષ્ણદાસ મેઘન હતા. એક વખતે બદ્રીનારાયણની પાસે પરલી અને કીરણી નામનો પર્વત છે, ત્યાં આગળ પોતે પધાર્યા એટલાંમાં અક્સમાત તે પર્વત ઉપરથી એક શીલા પડી. કૃષ્ણદાસ મેઘને તે શીલાને પોતાના હાથ ઉપર ઝીલી રાખી ત્યારે મહાપ્રભુજી તેમનાં ઉપર ઘણા જ પ્રસન્ન થયા અને કહ્યુ કે કૃષ્ણદાસ આ વખતે કંઈક માંગો, ત્યારે એમણે ત્રણ વસ્તુ માંગી એક તો મુખરતાનો દોષ જાય, બીજું આપના માર્ગનો સિદ્ધાંત મારા હૃદયમાં આવે, ત્રીજું આપ મારા ગુરુને ત્યાં પધારો.' તેમાંથી બે વસ્તુ તો આપી, પણ ત્રીજું ગુરુને ત્યાં પધારવાની ના પાડી. ત્યાર પછી પોતે બદ્રિકાશ્રમથી આગળ પધાર્યા કે જ્યાં જીવની પણ ગતિ પહોંચી શક્તિ નથી. ત્યાં આગળ વેદવ્યાસનું સ્થળ હતું. ત્યાં પધાર્યા, કૃષ્ણદાસને ત્યાં જ ઉભા રહેવાનું કહી પોતે આગળ પધાર્યા, એટલાંમાં વેદવ્યાસજી સામા આવી શ્રીમહાપ્રભુજીને પધરાવી ગયા. વેદવ્યાસજીએ કહ્યું. તમે શ્રીભાગવત ઉપર શ્રીસુબોધિની ટીકા કરી છે તે અહીં સંભળાવો ત્યારે શ્રીમહાપ્રભુજીએ યુગલગીતના અધ્યાયનો, ' वामवाहुकुतवामकपोलो ' એ એક શ્લોકનું આખ્યાન કર્યું, જેની ટીકા ત્રણ દિવસ સુધી ચાલી. વેદ વ્યાસજી સાંભળીને ઘણા જ પ્રસન્ન થયા. શ્રીમહાપ્રભુજીએ વેદવ્યાસને કહ્યું કે,તમે જે વેદાંતનાં સૂત્ર કહ્યાં છે, તેના ઉપર માયાવાદીઓએ માયા ઉપર અર્થ લગાવ્યો; ત્યારે વેદવ્યાસે કહ્યું કે હું શું કરું ? ભગવદ આજ્ઞા મને એવી હતી કે તમે સૂત્ર કરો, જેના બે અર્થ હોઈ શકે ! ત્યાર પછી શ્રીમહાપ્રભુજીએ બ્રહ્મવાદ ઉપર જે અર્થ કર્યો હતો તે કહી સંભળાવ્યો, તે સાંભળીને વેદવ્યાસજી ઘણા જ પ્રસન્ન થયા. આચાર્યશ્રી ત્યાંથી વિદાય થઈને ત્રણ દિવસે કૃષ્ણદાસજીને જ્યાં ઉભા રહેવાની આજ્ઞા આપી હતી ત્યાં પધાર્યા. જોયું તો કૃષ્ણદાસજી ઊભા જ છે, શ્રીમહાપ્રભુજીએ કહ્યું, 'કૃષ્ણદાસજી કેમ ગયા નથી ? ' કૃષ્ણદાસે કહ્યું મહારાજ હવે આપના ચરણાર વીંદ છોડીને ક્યે સ્થળે જાઉં ? એ સાંભળીને શ્રીમહાપ્રભુજીએ ઘણા જ પ્રસન્ન થઈ કંઈક માંગવાને કહ્યું. ત્યારે પ્રથમ જે વસ્તુ માંગી હતી તેની જ માગણી કરી, તેમાંથી બે વસ્તુ આપી પણ ગુરુને ત્યાં પધારવાની ના પાડી.
પ્રસંગ 2 :- એક વખતે શ્રીમહાપ્રભુજી ગંગાસાગરમાં પધાર્યા હતા. ત્યાં એક જગાએ પોતે પોઢયા હતા અને કૃષ્ણદાસ ચરણસેવા કરતા હતા. તે વખતે શ્રીમહાપ્રભુજીના મનમાં એવી ઈચ્છા થઈ કે આ વખતે ધાનના મમરા (પૌંઆ અથવા ચીવડા) હોય તો આરોગું. શ્રી આચાર્યજીના મનની વાત કૃષ્ણદાસ મેઘને જાણી, એટલામાં શ્રીમહાપ્રભુજીને નિદ્રા આવી, ત્યારે કૃષ્ણદાસ ઉઠીને ગંગાસાગર ઉપર આવ્યા, જુએ છે તો સામે પાર એક દીવો બળે છે, તેની અટકળે શ્રીગંગાજી તરીને તે ત્યાં ગયા અને ખેતરના માલિકને જગાડી બમણી કિંમત આપી લીલી ડાંગર લીધી. પછી ભાડભૂંજાને જગાડી એક ટકાને બદલે ચાર ટકા આપી તે વખતે મમરા સિદ્ધ કરાવ્યા ને ગંગાજી તરીને પોતાની પાસે આવ્યા, ચરણારવિંદ દાબીને શ્રીમહાપ્રભુજીને જગાવ્યા. અને સિદ્ધ કરી લાવેલા મમરા આગળ ધરી આરોગવાની વિનંતી કરી. શ્રીમહાપ્રભુજીએ પ્રસન્ન થઈ વર માંગવાને કહ્યું, ત્યારે ફરીથીં પણ તે જ ત્રણ વસ્તુની માંગણી કરી ત્યારે શ્રીમહાપ્રભુજી બોલ્યા કે જીવ શું માંગી જાણે ? આ વખતે પ્રભુના સ્વરૂપનાં દર્શન કરાવવાનું માગ્યું હોત તો તે પણ કરાવત પછી પોતે મમરા અંગીકાર કર્યા. બીજે દિવસે પોતે સોરો ગામ પધાર્યા. ત્યાં કૃષ્ણદાસ મેઘને ફરી વિનંતી કરીને કહ્યું કે કૃપાનાથ, મારા ગુરુને લઈ આવું. પોતે કહ્યું, આ વાતમાં ખેદ થશે. પછી કૃષ્ણદાસ પોતાની આજ્ઞા વિના પ્રથમના ગુરુને ત્યાં છાનામાના ગયા. તે ગુરુએ કૃષ્ણદાસને દેખીને કહ્યું કે, તમે બીજા ગુરુ કર્યા ? કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ મેં બીજા ગુરુ કર્યા નથી, મારા ગુરુ તો તમે જ છો; પણ તમારી કૃપાથી હું પૂર્ણ પુરુષોત્તમને મેળવી શક્યો છું. ગુરુએ કહ્યું પૂર્ણ પુરુષોત્તમ છે એની ખાત્રી શી ? તે વખતે ગુરુની પાસે અગ્નિની સઘડી પડી હતી તેમાંથી બે હાથ ભરી સળગતો દેવતા હાથમાં લીધો અને કહ્યું કે જો, શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૂર્ણપુરુષોત્તમ ન હોય તો મારો હાથ બળીને ભસ્મ થજો, એ પ્રમાણે એક મુહૂર્ત સુધી કૃષ્ણદાસે અગ્નિ પોતાના હાથમાં રાખ્યો પછીથી ગુરુએ ત્યાં નં ખાવી દીધો. કૃષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને પાછા આવ્યા આ સઘળો પ્રસંગ શ્રીગોકુલનાથજીએ વિસ્તાર પૂર્વક શ્રીવલ્લભાષ્ટકની ટીકામાં લખ્યો છે.
પ્રસંગ 3 :- કૃષ્ણદાસ મેઘનને આ માર્ગનો સિદ્ધાંત હૃદયાગઢ થયા પછી યે બધાંના આગળ ગૃપ્ત વાર્તાઓ કહે છે. એમ એક વૈષ્ણવે શ્રીમહાપ્રભુજીના આગળ દીધું. શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણદાસને બોલાવી કહ્યું કે, ગુપ્તવાર્તાઓ તમે સઘળાના આગળ શા માટે પ્રગટ કરો છો ? કૃષ્ણદાસે કહ્યું મહારાજ જે વૈષ્ણવે આપને કહ્યું છે તેને બોલાવી કહી રહેલી ગુપ્ત વાર્તા પૂછો ત્યારે મહાપ્રભુજીએ તે વૈષ્ણવને બોલાવી પૂછ્યું, કૃષ્ણદાસે તમને કઈ ગુપ્ત વાર્તા કહી? ત્યારે વૈષ્ણવે કહ્યું કે મને તો યાદ નથી. પછી શ્રીમહાપ્રભુજી ચૂપ રહ્યા.
પ્રસંગ 4 :- એ વખતે શ્રીઠાકોરજીની ઈચ્છાથી કૃષ્ણદાસે શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી કે, મહારાજાધિરાજ શ્રીઠાકોરજીને પ્રિય વસ્તુ કઈ છે ? ત્યારે શ્રીમહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે શ્રીઠાકોરજીને ઉત્તમ વસ્તુના ભોક્તા છે, તેમાં વળી ગોરસ કે જેના અનેક ભાવ છે, જે અનીર્વચનીય છે તે અતિશય પ્રિય છે. અને વળી તે સઘળાંથી ભક્તોને સ્નેહ તો ઘણો જ પ્રિય છે. જેથી શ્રીઠાકોરજી ભક્તવત્સલ કહેવાય છે. ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરી કે, શ્રીઠાકોરજીને અપ્રિય વસ્તુ કઈ છે? શ્રીમહાપ્રભુજીએ જવાબ આપ્યો કે, શ્રીઠાકોરજીને ધુણીત (ધુમાડો) બરાબર વસ્તુ એક નથી, તેના કરતાં ભક્તોની ઉપર દ્વેષ કરનારો વધારે અપ્રિય છે. વળી કૃષ્ણદાસે પૂછ્યું મહારાજ, શ્રી રઘુનાથજી સંપૂર્ણ સૃષ્ટિને લઈને સ્વધામમાં પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ આપ્યું તેનું કારણ શું? શ્રીમહાપ્રભુજીએ કહ્યું, શ્રી રઘુનાથજી તો પરમ દયાળુ છે. અને એમના દયાળુ પણાને લીધે જ એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ !
પ્રસંગ 5 મો :- એક વખત શ્રીકૃષ્ણદાસે શ્રીમહાપ્રભુજીએ પ્રશ્ન પૂછ્યો કે, ભક્ત થઈ ને શ્રીઠાકોરજીની લીલાનો ભેદ જાણતા નથી તેનું કારણ શું? શ્રીમહાપ્રભુજીએ કહ્યું વિધિપૂર્વક સમર્પણ કરાવ્યું છે તે પ્રમાણે કરતા નથી તો અનુભવ શી રીતે થાય ! ભગવદ્દભક્તનો સંગ કરે તો શ્રીઠાકોરજીની લીલાનો ભેદ જાણે ! કોઈનો સંગ કરતા નથી, અને જે કંઈ પણ કરે તે અંતઃકરણ પૂર્વક કરતા નથી, તેથી શ્રીઠાકોરજીનું સ્વરૂપ તથા લીલાના ભેદ નથી જાણતા. જયારે ઉત્તમ ભક્તનો સંગ કરે શ્રીસુબોધિનીજીનું ગ્રંથ નું અહર્નિશ અવગાહન કરે, ત્યારે ભગવદ્ભાવ ઉત્પન્ન થાય, શ્રીઠાકોરજી તો વ્રજભક્તોના હૃદયમાં સદા સર્વદા બિરાજમાન છે. તેથી સંગ કરવો. અહીંયા ગજનધાવન વગેરે વૈષ્ણવોનું દ્રષ્ટાંત પોતે આપ્યું છે. વળી જેમણે ભારપૂર્વક સેવા કરી છે, તેમના સઘળા મનોરથ પૂર્ણ થયા છે. તેથી જે વૈષ્ણવ લીલાસ્થળ અને વ્રજભક્તોના ભાવનો વિચાર કરે છે તે વૈષ્ણવ શ્રીઠાકોરજીના સ્વરૂપને જાણે છે, જે આજ્ઞા કરે તે જાણે અને જે કાંઈ કામકાજ કરે તેમાં શ્રીઠાકોરજી વિષે વિરહતાપની ભાવના કરે. પોતાનું સ્વરૂપ જાણે જે હું કોણ છું ? પહેલાં ક્યાં હતો? ભગવત સંબંધી થવાથી શું થયું ? હવે મારુ કર્તવ્ય શું? એ પ્રમાણે રાત દિવસ વિચાર કરે ત્યારે પોતાનું સ્વરૂપ જાણે? શ્રીઠાકોરજીનું પ્રાક્ટ્ય તો વ્રજભક્તો માટે તથા એતનમાર્ગીય ભક્તના માટે છે. જેને ઉત્તમ પંગ છે, તે એતન્માર્ગ ના ગ્રંથ નું રહસ્ય સમજે છે. શાસ્ત્ર પુરાણાદી અનેક ઇતિહાસ છે. પરંતુ શ્રીવ્રજરાય (નંદરાય) ના ઘરમાં શ્રીઠાકોરજીનું પ્રાક્ટ્ય તે જાણી શકાય નહીં, પરંતુ જયારે ભગવદભક્તો નો સંગ થાય ત્યારે એ શ્રીઠાકોરજીના સ્વરૂપને જાણી શકાય. માટે ભગવદીયનો સંગ અવશ્ય કરવો. કારણકે સેવાનો પ્રકાર એતન્માર્ગીય વૈષ્ણવ જાણે છે, તેને મળીને ભાવપૂર્વક પૂછીને સેવા કરવી ત્યારે ભગવદ્ભાવ ઉત્પન્ન થાય. શ્રીઠાકોરની સ્નેહયુક્ત સેવા કરે તો શ્રીઠાકોરજીનું સ્વરૂપ જાણવામાં આવે (આ સત્સંગમાં વૈષ્ણવનું શું કર્તવ્ય છે તે યથાર્થ જણાવવામાં આવ્યું છે.)
પ્રસંગ 6 ઠો :- એક સમય શ્રીઆચાર્યજી મહાપ્રભુજી શ્રીબદ્રીનારાયણના મંદિરમાં પધાર્યા, ત્યાં વેદવ્યાસ મળ્યા ત્યારે પરસ્પર નમસ્કાર કરી શ્રીમહાપ્રભુજીએ વેદવ્યાસને પૂછ્યું, મહારાજ શ્રીમદ્ભાગવતના ભ્રમરગીતના અધ્યાયમાં શ્રીઠાકોરજીએ ઉદ્ધવજીને વ્રજભક્તોની પાસે મોકલ્યા તે પ્રસંગમાં અર્ધશ્લોક ખૂટે છે તે કયો? ત્યારે વેદવ્યાસજીએ અર્ધાશ્લોક કહ્યો आत्मत्वात भक्तवश्यत्वात सत्यक्ता स्वभावतः આ અર્ધા શ્લોકની ટીકા શ્રીમહાપ્રભુજીએ પહેલેથી કરી રાખી હતી તે સાંભળી વેદવ્યાસજી બહુ જ પ્રસન્ન થયા. ત્યારે પછી શ્રીમહાપ્રભુજી બદ્રીનાથના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામનદ્વાદશી હતી. તેથી મહાપ્રભુજીનાં મનમાં વ્રત કરવાનો વિચાર હતો, શ્રીબદ્રીનાથજીએ શ્રીમહાપ્રભુજીને કહ્યું કે મેં ફળાહારની સઘળે ઠેકાણે તપાસ કરાવી છે પણ મળી શકતો નથી. તેથી તમે રસોઈ કરી શ્રીઠાકોરજીને ભોગ સમર્પી મહાપ્રસાદ લ્યો. શ્રીમહાપ્રભુજીએ વિચાર્યું કે શ્રીઠાકોરજીની ઈચ્છા એવી દેખાય છે. એટલામાં કૃષ્ણદાસ આવીને કહ્યું કે ફળ કોઈ ઠેકાણે મળતાં નથી. પછી તે દિવસે વામનદ્વાદશીનું વ્રત ન કર્યું. એવું વચન પણ છે કે उत्सबांते च पारणाम તે ભાવથી પ્રાક્ટ્ય થયા પછી પારણાં કર્યા. પછી શ્રીમહાપ્રભુજી બદ્રીનારાયણ થી વિદાય થયા, કૃષ્ણદાસ મેઘન પણ સાથે જ હતા.
પ્રસંગ 7 મોં :- પ્રથમ શ્રીમહાપ્રભુજી વેદવ્યાસને સ્થાનકે પધાર્યા હતા. ત્યારે કૃષ્ણદાસને કહ્યું હતું કે તું અહીંયા જ ઉભો રહેજે, તેથી કૃષ્ણદાસ ત્યાં જ ઉભા રહ્યા હતા. પછી જયારે આપ ત્રીજે દિવસે પધાર્યા ત્યારે કૃષ્ણદાસને એ પ્રમાણે ઉભેલા જોયા ત્યારે પોતે કહ્યું કે અહીંથી ગયો નથી ? અને બેઠો પણ નથી? ત્યારે કૃષ્ણદાસે કહ્યું મહારાજ, આપની આજ્ઞા હતી કે ઉભો રહેજે સેવકનો ધર્મ તો આજ્ઞા પાળવી એ છે. આજ્ઞા ન માને તો સેવક શેનો ? કૃષ્ણદાસ મેઘન એવા કૃપાપાત્ર હતા. એમણે સ્વામીસેવકનો ભાવ દેખાડ્યો, તેથી શ્રીમહાપ્રભુજી હંમેશ કૃષ્ણદાસ ઉપર પ્રસન્ન રહેતાં, અને મુખરતાનો દોષ મનમાં ન લાવતાં. એવા પ્રભુ ઉદાર છે. કૃષ્ણદાસ મેઘન માર્ગ માં તથા ઘરમાં સદા શ્રીમહાપ્રભુજીની પાસે રહેતાં એક ક્ષણવાર પણ જુદા પડતા નહીં, કૃષ્ણદાસ મેઘન શ્રીમહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો પાર નથી.
વાર્તા 2 જી . વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન
--------------------------------------------------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો