મુખ્ય સામગ્રી પર જાઓ

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 4 થી. વૈષ્ણવ 4થા.

84 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 4 થી. વૈષ્ણવ 4થા. પદ્મનાભદાસ કનોજીયા બ્રાહ્મણની વાર્તા.
                                                   
      
પ્રસંગ 1 લો :- એક સમયે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી આપ કનોજ પધાર્યા ત્યાં પદ્મનાભદાસ દર્શન કરવા આવ્યા. પદ્મનાભદાસે શ્રીમુખથી શ્રીભાગવત પ્રસંગ સાંભળ્યો, તેથી જાણ્યું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પહેલાં પદ્મનાભદાસ પોતાને ઘેર ઊંચા આસન ઉપર બેસીને કથા કહેતાં હતાં અને બહુ જ શ્રોતાઓ કથા સાંભળવાં આવતા હતા, તેથી કોઈએ ઘેર જવું પડતું નહીં. અને વૃત્તિ ઘેર બેઠાં ચાલી આવતી હતી. એ પ્રમાણે પદ્મનાભદાસ કાર્યક્રમ કરતા હતા. જયારે તેમણે આચાર્યશ્રીનો પ્રતાપબલ દેખ્યો ત્યારે શરણે આવ્યા. નામમંત્ર પામ્યા પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ મંત્ર આપી સમર્પણ કરાવ્યું. પછી ઉત્થાન સમયે દામોદરદાસ સંભારવાળાને ઘેર શ્રીમહાપ્રભુજી આપ બિરાજ્યા હતા. ત્યાં પોથી ખોલી, દામોદરદાસ બેઠા હતા, એટલામાં પદ્મનાભદાસ આવ્યા. ને દંડવત પ્રણામ કરીને બેઠા ત્યારે શ્રીમહાપ્રભુજીએ નિબંધનો શ્લોક કહ્યો:-



अथवा सर्वदा शास्त्रं श्री भागवतमदरात।

 पठानीयं प्रयत्नेन सर्वहेतुविवर्जितम ।।१।।

वृत्त्यर्थ नैव युंजित प्राणैः कंठगतैरपि। 

तदभावे यथैव स्यात्तथा निर्वाहमाचरेत ।।२।।



આ શ્લોક પદ્મનાભજીએ સાંભળ્યો. પછી પોતે દશમસ્કંધની કથા કહીતે પણ પદ્મનાભદાસે સાંભળી. પછી જયારે શ્રીમહાપ્રભુજી કથા કરી રહ્યા ત્યારે પદ્મનાભદાસે જળની અંજલી ભરી શ્રીમહાપ્રભુજીના આગળ સંકલ્પ કર્યો કે, ' આજથી કથા કહી વૃત્તિ નહીં કરું! ' શ્રીમહાપ્રભુજીએ શ્રીમુખથી કહ્યું, ' તમારી વૃત્તિ છે. તમે બ્રાહ્મણ છો, તેથી મહાભારત વગેરે તો કહેવાં પણ શ્રીમદ્દ ભાગવત વૃત્તિ અર્થે કહેવું નહીં. ' પદ્મનાભદાસે કહ્યું, ' હવે તો સંકલ્પ કર્યો તેથી કાંઈ પણ નહીં કહું ! ' ત્યારે પોતે કહ્યું, ' તમે તો ગૃહસ્થ છો તેથી કેવી રીતે નિર્વાહ કરશો ? ' પદ્મનાભદાસે કહ્યું : ' મહારાજ યજમાનને ઘેરથી વૃત્તિ કરી લાવીશ. તેથી નિર્વાહ કરીશ.'  પદ્મનાભદાસ યજમાનને ઘેર વૃત્તિ અર્થે ગયા. તેમણે બહુજ આદર કર્યો. તો પણ પદ્મનાભદાસના મનમાં ગ્લાનિ આવી કે, પહેલાં તો મેં કોઈ વખતે ભિક્ષા કરી નહોતી અને હવે  વૈષ્ણવ થયા પછી ભિક્ષા માંગવા નીકળ્યો તે બરાબર નહીં. પહેલાં તો કેવળ ઉપવીજ ગળામાં હતું. તેથી ભિક્ષા કરવી તે તો ઉચિત હતી પણ હમણાં તો ગળામાં માળા પહેરી છે. તેથી ભિક્ષાવૃત્તિ કરવી તે બરાબર નથી, તેથી ફરી સંકલ્પ કર્યો કે, ભિક્ષાવૃત્તિ કરીને પણ નિર્વાહ નહીં કરું. ત્યારે ફરીથી શ્રીઆચાર્યજીએ પૂછ્યું કે, હવે નિર્વાહ શી રીતે કરશો? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, વૈશ્યવૃત્તિ કરીને નિર્વાહ કરીશ.' પછી કોડી વેંચતા, લાકડાં લઈ આવતા, પણ બીજી કોઈ પણ રીતે પોતાનું ગુજરાન કર્યું નહીં. એ પ્રમાણે દેહ રહ્યો ત્યાં સુધી નિર્વાહ કર્યો. એવા ટેકી ભગવદીય હતા.

પ્રસંગ 2 જો :- એક સમયે શ્રીઆચાર્યશ્રી પોતે પ્રયાગ પધાર્યા હતા. ત્યારે પદ્મનાભદાસ પણ સાથે હતા. એક પહોર રાત્રી ગઈ હતી, તે વખતે પદ્મનાભદાસને આજ્ઞા આપી કે, શ્રી અક્કાજી પેલે પાર છે તેમને ત્યાંથી અહીંયા પધરાવી લાવો. એટલું સાંભળતાં પદ્મનાભદાસ ચાલતાં થયાં. ત્યાં આગળ 5 - 7 વૈષ્ણવો બેઠા હતા તે માંહે - માંહે કહેવા લાગ્યા, બ્રાહ્મણ બહાવરો થયો છે ? આ વખતે ક્યાં જશે ? નાવ તો સઘળાં બંધ થઈ ગયાં છે. અને ઘાટવાળા પણ પોત પોતાને ઘેર ગયા છે તેથી આ વખત પાર જવાનો નથી પણ અમને તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો વિશ્વાસ છે, તેથી કામ અવશ્ય થશે. એમ ધારીને ગયા હતા પદ્મનાભદાસ ઘાટ ઉપર આવ્યા, આમ તેમ જોવા લાગ્યા. એટલામાં એક દસવર્ષનો છોકરો નાવ લઈને ત્યાં આવ્યો. તેમણે પદ્મનાભદાસને પૂછ્યું કે તમારે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હા, જવું છે. તે છોકરાએ પદ્મનાભદાસને નાવમાં બેસાડી પેલે પાર ઉતાર્યો, અને પૂછ્યું,ફરીથી ક્યારે આવશો ? પદ્મનાભદાસે કહ્યું બે ઘડીમાં આવું છું. પેલો છોકરાએ કહ્યું નાવ અહીંયા રાખું છું, તમે વહેલા આવજો પછી પદ્મનાભદાસે અડેલમાં જે શ્રીઅક્કજીને શ્રીમહાપ્રભુજીની આજ્ઞા કહી તેડી લાવ્યા. જે હોડીમાં બેસાડી આ પાર ઉતાર્યા. ઉતાર્યા પછી જુએ છે તો તે છોકરો તેમજ હોડીમાં કંઈ પણ દેખાયું નહીં. પદ્મનાભદાસજી તે વખતે શ્રીઅક્કાજીને પધરાવી ઘેર લાવ્યા. પછી શ્રીમહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને સુઈ રહેવાની આજ્ઞા આપતાં બીજાં 5-7 વૈષ્ણવો સુતા હતા ત્યાં જે સુઈ રહ્યાં, પેલા વૈષ્ણવોએ પૂછ્યું શી રીતે તમે તેડી લાવ્યા ? ત્યારે તેમણે બધા સમાચાર તે વૈષ્ણવોના આગળ કહ્યાં. એ સાંભળીને તે વૈષ્ણવોએ કહ્યું, તમે આ વખતે શ્રીઠાકોરજીને બહુજ શ્રમ કરાવ્યો, ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું, જે કાંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે. તેથી પદ્મનાભદાસને કાંઈ કહેશો નહીં, શ્રીમહાપ્રભુજીના વચન ઉપર દૃઢ વિશ્વાસ રાખ્યો તો સઘળું કાર્ય સિદ્ધ થયું.

પ્રસંગ 3 જો :- એક સમયે શ્રીમહાપ્રભુજી શ્રીગોકુળથી અડેલ જતા હતા. ત્યારે એક વેપારી ક્ષત્રી કેટલોક માલ વગેરે વસ્તુ લઈને સાથે જતો હતો. તે વેપારી કનોજની ભાગોળે રહ્યો અને મહાપ્રભુજી કનોજમાં પધાર્યા. પછી તે વેપારીના ઉપર ચોરો આવી ચઢયા, ને તેમનો સઘળો માલ લૂંટી લીધો. શ્રીઆચાર્યજી દામોદરદાસ સંભારવાળાને ઘેર ઊતર્યા હતા. રસોઈ કરી શ્રીઠાકોરજીને ભોગ સમર્પ્યો એટલામાં તે વેપારી પાછળથી રોતો રોતો શ્રીમહાપ્રભુજીની તપાસ કરતો દામોદરદાસ સંભારવાળાને ઘેર આવ્યો. આવીને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી ક્યાં બિરાજે છે? પદ્મનાભદાસે કહ્યું, તે ભોજન કરતા હશે, તે વેપારીએ કહ્યું, મહારાજ, હમારો સઘળો માલ લૂંટાઈ ગયો. અને શ્રીઆચાર્યજી તો ભોજન કરે છે, ત્યારે પદ્મનાભદાસે વિચાર્યું કે, જો આ વાત શ્રી મહાપ્રભુજી સાંભળશે તો ભોજન નહીં કરે ; તેટલા માટે પદ્મનાભદાસ વેપારીનો હાથ પકડી બહાર લઈ આવ્યા અને પૂછ્યું, સાચું કહો, તમારો માલ કેટલાનો ગયો છે? ત્યારે પદ્મનાભદાસ તેને એક શાહુકારની દુકાને લઈ ગયા. શાહુકારે પદ્મનાભદાસની બહુ જ આગતાસ્વાગતા કરી કહ્યું કે આપનું પધારવું શા કારણથી થયું છે તે કહો. પદ્મનાભદાસે કહ્યું આ વેપારીને આટલું દ્રવ્ય આપો અને તે દ્રવ્યનું ખતપત્ર તથા વ્યાજ હું તમે કહો તેટલું લખી આપું છું. તે શાહુકારે કહ્યું ખતપત્ર શું કામ છે ? દ્રવ્ય જોઈએ તેટલું લઈ જાઓ પદ્મનાભદાસે કહ્યું, પહેલાં તો ખતપત્ર લખો, પછી દ્રવ્ય લઈશ. શાહુકારે કહ્યું જેવી તમારી મરજી. પછી પદ્મનાભદાસે ખતપત્ર લખી આપ્યું તેમાં પોતાનો ધર્મ ધરાણે મુક્યો અને દ્રવ્ય લઈને વેપારીને આપ્યું. વેપારી દ્રવ્ય લઈને પોતાને ઘેર ગયો, પછી પદ્મનાભદાસે કહ્યું, મહારાજ એક કામ હતું ત્યાં ગયો હતો. પણ શ્રીમહાપ્રભુજી આપ તો ઈશ્વર છો તે તત્કાલ સઘળી વાત જાણી ગયા. તેથી પદ્મનાભદાસને કહ્યું કે અમારે ને તે વેપારીને શો સંબંધ હતો? રસ્તામાં તે પાછળ રહી ગયો. તેથી અમે શું કરીએ? દેવું કરીને પૈસા આપ્યા તે ઘણું જ ખોટું કામ કર્યું. પદ્મનાભદાસે કહ્યું, 'મહારાજ, વાત તો સાચી છે, પણ એ વેપારી જો પોકાર કરતો તો આપને ભોજન કરવામાં બે ઘડી વિલંભ પડત. તો મારો જન્મ વ્યર્થ જાત. દેવું તો કાલે પાછું આપીશ એમાં શું મોટી વાત છે? શ્રીઆચાર્યજીએ કહ્યું, તે ધર્મ ઘરેણે શા માટે લખી આપ્યો? પદ્મનાભદાસે કહ્યું એ પ્રમાણે સખત પ્રતિજ્ઞા લખી આપ્યા વિના તેનું દેવું પાછું આપી શકાય નહીં. પછી શ્રીમહાપ્રભુજી આચાર્યજી અડેલ પધાર્યા. પદ્મનાભદાસજી એક રાજાની પાસે ગયા રાજાએ બહુજ આદરસન્માન કરી કહ્યું, 'મને કૃપા કરીને કથા સંભળાવો.' પદ્મનાભદાસે કહ્યું, રાજા! શ્રીભાગવત તો નહીં સંભળાવું, કહો તો મહાભારત સંભળાવું. રાજાએ કહ્યું, ભલે મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભદાસ સંભળાવું. રાજાએ કહ્યું ભલે મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભદાસે જયારે મહાભારત શરુ કર્યું ને યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે કથા કહેવામાં એટલો તો વીરરસ હતો કે સઘળા શ્રોતાઓ અંદરોઅંદર મુક્કાઓ અને લાતો મારવા લાગ્યા. આ પ્રમાણે દરેકે રસ કથામાં હતો. કેટલાક દિવસ પછી જયારે મહાભારત સમાપ્ત થયું ત્યારે રાજા બહુ જ દક્ષિણા આપવા લાગ્યો. પદ્મનાભદાસે કહું, હું દ્રવ્ય નહીં લઉં પણ સાહુકારનું જેટલું દેવું છે તેટલું વ્યાજ સહિત આપવું. તેટલું આપ પરભારું આપી ખત ફડાવી મંગાવી લ્યો તે સાંભળીને રાજાએ એ પ્રમાણે કર્યું. પછી પદ્મનાભદાસ પોતાને ઘેર ગયા.

પ્રસંગ 4 થો :- પદ્મનાભદાસની બેટી કુંવારી હતી. તેનો વિવાહ કોઈ શ્રી મહાપ્રભુજીનો સેવક હોય તેની સાથે કરવો હતો. પદ્મનાભદાસજી વૈષ્ણવોને પૂછવા લાગ્યા. ત્યારે વૈષ્ણવોએ કહ્યું, એક સનોડીઆ બ્રાહ્મણ શ્રીમહાપ્રભુજીનો સેવક છે. પદ્મનાભદાસને લૌકિક વ્યવહારની ખબર નહીં તેથી કહ્યું ભલે વૈષ્ણવ હોય તો આપણી કન્યાનો વિવાહ ત્યાં કરીએ. પદ્મનાભદાસે તે વૈષ્ણવને તિલક કર્યું, વિવાહ વિધિ કરી ઘેર આવ્યા, મોટી દીકરી તુલસીને કહ્યું,' તારી નાની બહેનનો વિવાહ અમુક વૈષ્ણવ સાથે કરી આવ્યો છું. તુલસીએ કહ્યું એ તો સનોડીઆ બ્રાહ્મણ છે. અને આપણે કનોજીઆ બ્રાહ્મણછીએ તેથી એમ કેવી રીતે વિવાહ થાય ? પદ્મનાભદાસે કહ્યું હવે થયું તે થયું, તે બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે. દેશ જુદો એમાં શું થયું ?  તેમાં વળી શ્રીમહાપ્રભુજી નો સેવક છે. તુલસીએ કહ્યું સગાઈ ફેરવો. પદ્મનાભદાસે કહ્યું છરી લાવી જે અંગુઠાએ તિલક કર્યું છે, તે અંગુઠો કાપો. તુલસીએ કહ્યું, અંગુઠો કેવી રીતે કાપ્યો જાય ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, સગાઈ પણ કેવી રીતે ફેરવી જાય ? અંગુઠો કપાય તો સગાઈ ફરે પછી પદ્મનાભદાસે તે સનોડીઆ બ્રાહ્મણની સાથે લગ્ન કરી દીધું, જ્ઞાતિવાળાનું કંઈ ચાલ્યું નહીં. વૈષ્ણવ ઉપર અને વૈષ્ણવો ના કહેવા ઉપર પદ્મનાભદાસને એટલો બધો દ્રઢ વિશ્વાસ હતો કે સગાઈ ફેરવી નહીં.

પ્રસંગ 5 :- એક ક્ષત્રાણી પદ્મનાભદાસને ઘેર નિત્ય આવતી હતી. પદ્મનાભદાસની બેટી તુલસીએ તે ક્ષત્રાણીને નિત્ય આવવાનું કારણ પૂછ્યું. તે ક્ષત્રાણીએ કહ્યું , તમારા પિતા મહાપુરુષ છે, મહાન ભગવદીય છે, તેથી આવું છે. કારણ કે મારે સંતતિ નથી તેથી મારી વિનંતી પદ્મનાભદાસના આગળ કે જો કે મને કોઈ ઉપાય બતાવે. એક દિવસ તુલસીએ પદ્મનાભદાસની આગળ કહ્યું કે પિતાશ્રી, આ ક્ષત્રાણીને સંતતિ નથી. તેથી તમને વિનંતી કરે છે કે કંઈક ઉપાય બતાવો. પદ્મનાભદાસે જળ લઈને શ્રીનું ચરણોદક મિશ્રણ કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જળ પી જાઓ તેથી પુત્રની પ્રાપ્તિ થશે, તેનું નામ તું મથુરાદાસ રાખજે. ત્યાર પછી તેને એક પુત્ર થયો. 

પ્રસંગ 6 ઠ્ઠો :- એક વખત મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રીઠાકોરજીને પદ્મનાભદાસને ત્યાં પધરાવી શ્રીનાથજીની સેવા લાગ્યા, અને શ્રીનાથજીના ભીતરીયા થયા, જેથી પદ્મનાભદાસ તેમના શ્રીઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી ત્યાં મોગલની ફોજ આવી ગામ લુંટ્યું. તેમાં પદ્મનાભદાસનું ઘર પણ લુંટ્યું, તેમાં શ્રીઠાકોરજીને એક મોગલ લઈ ગયો પદ્મનાભદાસે પોતાની બેટી તુલસીને કહ્યું, તું ઘરમાં રહેજે અને હું જાઉં છું, શ્રીઠાકોરજી મળશે તો આવીશ. એમ કહીને મોગલની પાછળ પાછળ ગયા. સાત દિવસ તે મોગલની સાથે રહ્યા. જળપાન પણ ન કર્યું. ત્યારે આઠમે દિવસે તે મોગલને મોગલાણીએ કહ્યું, આબ્રાહ્મણે આઠ દિવસ થયાં અન્ન અને જળનો ત્યાગ કર્યો છે, એ મરશે તો તમારે માથે હત્યા ચઢશે, માટે તેના દેવને આપી દો, ત્યારે તે મોગલે પદ્મનાભદાસને શ્રીઠાકોરજી આપ્યા. તે લઈને પદ્મનાભદાસ પોતાને ઘેર આવ્યા. પછી તુલસીને કહ્યું, તું  રસોઈ કર. પછી પોતે સ્નાન કરી, શ્રીઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું, અંગવસ્ત્ર કરી, શણગાર કર્યા પછી ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવી શ્રીઠાકોરજીને અનોસર કરી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવી પછી પોતે મહાપ્રસાદ લીધો. કનોજમાંથી શ્રીઠાકોરજી મોગલને હાથ ગયા તે વાત રામદાસે જાણી તે દિવસથી રામદાસે પણ સાત દિવસ સુધી મહાપ્રસાદ લીધો નહીં. પણ શ્રીનાથજીની સેવા સાવધાનતાથી કરતા હતા છતાં મનમાં બહુ ખેદ પામતા હતા એ વાત પદ્મનાભદાસે ઘેર બેઠાં જાણી, તેથી શ્રીઠાકોરજીના દર્શન કરવા, રામદાસને મળવા શ્રી ગિરિરાજ આવ્યા, શ્રીનાથજીના દર્શન કર્યા, પછી રામદાસને મળ્યા પદ્મનાભદાસે કહ્યું, તમે મારા માથે શ્રીઠાકોરજી પધરાવ્યા હતા તેથી તો હું દુઃખ પામ્યો બરાબર. પણ તમે સાત દિવસ સુધી મહાપ્રસાદ કેમ ન લીધો ? રામદાસજીએ કહ્યું, " તમે કહો છો તે સાચું છે, પણ મેં બહુ દિવસ સુધી સેવા કરી છે તેથી એટલો સંબંધ તો જોઈએ?" પછી પદ્મનાભદાસ કેટલાક દિવસ સુધી ત્યાં રહી શ્રીનાથજીની તથા રામદાસની વદાય લઈ પોતાને ઘેર કનોજ આવ્યા.

પ્રસંગ 7 મોં :- એક વખત પદ્મનાભદાસજી પોતાના સેવ્ય શ્રીઠાકોરજી શ્રી મથુરાનાથજી તથા સઘળું કુટુંબ લઈને અડેલ આવી રહ્યા. દ્રવ્યનો સંકોચ બહુ હોવાથી છોલા તળી તળીને સમર્પતાં, તે છોલાને બહુ સારી રીતે વીણીને ભીંજાવી રાખતા, બીજે દિવસે સારી રીતે તળીને શ્રીઠાકોરજીને બધી સામગ્રીનું નામ લઈને એક એક મુઠી પીરસતા જાય. મુઠ્ઠી ભરી કહે  કે આ દાળ છે, જેટલાં શાક, સંધાનાં હોય તેટલી મુઠ્ઠી ભરી નામ દઈ શ્રીઠાકોરજીને છોલા સમર્પતાં શ્રીઠાકોરજી ઘણીજ પ્રસન્નતાથી અંગીકાર કરતા. પછી એક વૈષ્ણવે પદ્મનાભદાસ આ પ્રમાણે છોલા અંગીકાર કરાવે છે તે શ્રીમહાપ્રભુજીને કહ્યું, તેથી એક દિવસે શ્રીમહાપ્રભુજી ભોગ સમર્પવાની વખત પદ્મનાભદાસને ઘેર પધાર્યા. શ્રી મહાપ્રભુજી ને આસન ઉપર પધરાવી પોતે નિત્ય ભોગ સમર્પતાં હતા તે પ્રમાણે સમર્પ્યો ભોગ સરાવેલો જોઈને શ્રીમહાપ્રભુજીએ પૂછ્યું, આ ઢગલી શેની છે ? પદ્મનાભદાસને કહ્યું, આ ખીર છે, આ ભાત છે, આ દાળ છે, આ રોટી છે, એ પ્રમાણે કહી બધી સામગ્રીના નામ લઈ છોલાની ઢગલીઓ શ્રીમહાપ્રભુજીને બતાવી. દ્રવ્યના સંકોચને લીધે આ પ્રમાણે કરે છે, એમ જાણીને શ્રીમહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. પછી શ્રીમહાપ્રભુજી ઘેર ગયા અને ઈલ્લમાગારુજી ને કહ્યું કે પદ્મનાભદાસને ત્યાં નિત્ય રસોઈ નો સામાન આપણે ત્યાંથી મોકલજો. બીજે દિવસે શ્રીઇલ્લમાગારુજીએ સીધું-સામગ્રી પોતાને ત્યાંથી મોકલી. પદ્મનાભદાસને પોતાની બેટી તુલસાએ કહ્યું, આ તો આપણને અહીંથી બહાર જવાનો વખત આવ્યો. પછી પદ્મનાભદાસે ચાર દિવસના ખર્ચ ની વ્યવસ્થા કરી. શ્રીઠાકોરજીને પૂછ્યું. આપનું મન હોય તો શ્રીમહાપ્રભુજીને ઘેર પધરાવું ત્યાં અનેક પ્રકારની સામગ્રીઓ તૈયાર છે. શ્રીઠાકોરજીએ કહ્યું મને તો તારું જ કરેલું ભાવે છે. તારા ઉપર ઘણો પ્રસન્ન છું. માટે તું કોઈ પણ જાતનો સંકોચ કરીશ નહીં. ત્યારે પદ્મનાભદાસે એક નાવ ભાડે કરી શ્રીમથુરાનાથજીને પધરાવ્યા. પોતાના સઘળા કુટુંબને પણ નાવમાં બેસાડી શ્રીમહાપ્રભુજીની પાસે વિદાયગીરી માંગવા આવ્યા. ને ચાર દિવસની સામગ્રી જે મંદિરમાંથી આવી હતી તે પાછી મંદિરમાં પધરાવી. શ્રીમહાપ્રભુજીને દંડવત કર્યા. અને કહ્યું મહારાજ, હું જાઉં છું શ્રીમહાપ્રભુજીએ પૂછ્યું શ્રીઠાકોરજી ક્યાં બિરાજે છે ? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ શ્રીઠાકોરજીને નાવમાં પધરાવી હું આપનાં દર્શન કરવા તથા વિદાય થવા માટે છું. ઘણા જ સંકોચથી શ્રીમહાપ્રભુજીએ પદ્મનાભદાસને વિદાય કર્યા. ત્યાર પછી ભંડારીએ આવીને કહ્યું, મહારાજ પદ્મનાભદાસને ત્યાં 2-4 દિવસની સામગ્રી મોકલેલી હતી તે પાછી ભંડારમાં મૂકી ગયા છે. શ્રીમહાપ્રભુજીએ કહ્યું,'સીધું-સામગ્રી મોકલી તેથીજ પદ્મનાભદાસ ગયા નહીતો જાત નહીં.' એ પ્રમાણે શ્રીમુખથી કહ્યું, શ્રીગોકુલનાથજી મહારાજ પદ્મનાભદાસ સરખા વિરલા કરોડો વૈષ્ણવોમાં પણ દુર્લભ છે. એમ સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં જણાવે છે આ પદ્મનાભદાસ શ્રીમહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો પાર નથી.   


* પદ્મનાભદાસનાં બેટી તુલસાની વાર્તા *

પ્રસંગ 1 લો :- એક સમયે એક વૈષ્ણવ ( શ્રીમહાપ્રભુજીના સેવક ) તુલસાને ઘેર આવ્યા. ઠાકોરજીનાં દર્શન કર્યા. રાજભોગ સમર્પ્યો હતો. તેથી તુલસાએ વૈષ્ણવને કહ્યું. " ઊઠો સ્નાન કરી મહાપ્રસાદ લ્યો. " તે વૈષ્ણવે કહ્યું, ઘેર જઇને સ્નાન કરીશ. ત્યારે તુલસા કાંઈ બોલ્યાં નહીં. પછી તે વૈષ્ણવપોતાને ઘેર ગયા તુલસાને બહુ જ ખેદ થયો કે અરે રે ! મારે ઘેરથી વૈષ્ણવ ભૂખ્યા ગયા. પણ મનમાં આવ્યું કે જ્ઞાતીવ્યવહારને લીધે સખડી મહાપ્રસાદ નહીં લીધો તો ઠીક પણ કાલ સવારે તેમને અનસખડી મહાપ્રસાદ લેવડાવીશ. એમ વિચારી રાત્રીએ મંદો છાણી સિદ્ધ કરી નાખ્યો. પછી સુઈ ગયાં. રાત્રીએ પદ્મનાભદાસના શ્રીઠાકોરજીએ સ્વપ્નમમાં જણાવ્યું કે તે વૈષ્ણવ કાલે પોતાને ઘેર મહાપ્રસાદ લેશે નહીં, તું અહીંયા લેવડાવજે. પ્રાતઃકાલમાં તુલસાએ ઉઠીને સ્નાન કરી પુરી સિદ્ધ કરી, શ્રીઠાકોરજીને જગાવી સેવા કરવાં લાગ્યા. એટલામાં તે વૈષ્ણવ સવારમાં વહેલો આવ્યો. તેને રાત્રીએ શ્રીમથુરાનાથજીએ સ્વપ્નમાં જણાવ્યું હતું કે, કાલે તુલસાને ઘેર મહાપ્રસાદ શા માટે ન લીધો ? હવે આજે અવશ્ય મહાપ્રસાદ લેજે. તેથી તે વૈષ્ણવ શ્રીઠાકોરજીના દર્શન કરી બેસી રહ્યા, તે વખતે તુલસા શ્રીઠાકોરજીને ભોગ સમર્પી બહાર આવી અને વૈષ્ણવને કહ્યું, ઉઠો સ્નાન કરો, સ્મરણ કરો, તે વૈષ્ણવે કહ્યું, બહુ સારું, પછી તેમણે સ્નાન કરી, તિલકમુદ્રા કરી, શ્રીઠાકોરજીનું નામસ્મરણ કર્યું. પછી ભોગ સર્યો તુલસા શ્રીઠાકોરજીને અનોસર કરી બહાર આવ્યાં. તે વૈષ્ણવને અનસખડી પુરી સંધાનું વગેરે મહાપ્રસાદ ધર્યો અને કહ્યું, મહાપ્રસાદ લ્યો. ત્યારે વૈષ્ણવે કહ્યું, એ તો હું નહીં લઉં, સખડી મહાપ્રસાદ લઈશ. ત્યારે તુલસાએ કહ્યું, સંકોચ કરવો નહીં, આ તો જ્ઞાતિવહેવાર છે. તે વૈષ્ણવે કહ્યું, પહેલા તો મનમાં જ્ઞાતીવહેવાર આવ્યો હતો પણ હવે તો ભગવદઆજ્ઞા થઈ છે, તેથી સખડી મહાપ્રસાદ લઈશ. પછી તે વૈષ્ણવે સખડી અનસખડી બન્ને મહાપ્રસાદ લીધો. તેથી બન્ને જણા અત્યંત પ્રસન્ન થયા. 

પ્રસંગ 2 જો :- એક સમયે તુલસાને ઘેર શ્રીગુંસાઈજી પધાર્યા. તુલસાએ બહુ સારી રીતે સેવા કરી તેથી આપ પ્રસન્ન થયા. ભોજન કરીને પોઢ્યા પછી તુલસાની સાથે ભગવદવાર્તા કરતાં અતિ પ્રસન્નતા પૂર્વક આપે કહ્યું કે "पद्मनाभदासकी संतति ऐसीही चाहिए " પછી તુલસાને પૂછ્યું. તને શ્રીઠાકોરજી સાનુભાવ બતાવે છે ? તુલસાએ કહ્યું, મહારાજ, પેટ ભરીને ખાઉં અને આખી રાત અઘોરીની માફક ઉંઘ્યાં કરું છું અને બને તો શ્રીમહાપ્રભુજીના ગ્રંથોના પાઠ કરું છું. તેમાં અનુભવ શો ? શ્રીગુંસાઈજી સાંભળીને તેના ઉપર બહુજ પ્રસન્ન થયા. આ તુલસા શ્રીમહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા.  


*પદ્મનાભદાસના નાના બેટી ની વાર્તા*

પ્રસંગ 1 લો :- પદ્મનાભદાસની નાની દીકરીનો વર ઘણો સારો વૈષ્ણવ હતો. શ્રીમહાપ્રભુજી દર્શન કરવાને વૈષ્ણવો અડેલ જતા તે પદ્મનાભદાસજીને ઘેર ઉતરતા. નાની દીકરીનો વર આવેલા વૈષ્ણવોની સારી રીતે પ્રીતિપૂર્વક સેવા સમાગમ કરતા; તેમણે કનોજથી એક મજલ ઉપર બે ગાડાં, અને એક માણસ રાખી મુકેલો, જે વૈષ્ણવ આવે તેને બેસાડી પદ્મનાભદાસને ઘેર પધરાવી જાય, કનોજથી નાવમાં બેસાડી અડેલ વિદાય કરે, એવો તે (નાની દીકરીનો વર) વૈષ્ણવ હતો. એક વખત પદ્મનાભદાસજી ના મનમાં આવ્યું કે, નાની દીકરીને ઘેર શ્રીઠાકોરજી બિરાજતા નથી તેથી તે ભોગ શીરીતે ધરતી હશે? અનપ્રસાદી લેતાં હશે? એમ વિચાર થવાથી અચાનક ત્યાં ગયા. જુએ છે તો બેટીએ શ્રીઠાકોરજીનો ભોગ ધર્યો છે ટેરો આવ્યો છે. પદ્મનાભદાસે પૂછ્યું, બેટા ? શું સમય છે ? બેટીએ કહ્યું, સમય તો આપને ત્યાં હોય, હું તો આપનું ધ્યાન કરી પેટ ભરી લઉં છું. ટેરો ખોલી દર્શન કરે છે તો પોતાના જ સેવ્ય  શ્રીઠાકોરજી શ્રીમથુરેશજી ભોગ આરોગે છે. એ જોઈ ગદગદ કંઠે થઈ ગયા કહે બેટી ! તારા ઉપર આવી અતુલ કૃપા ક્યાંથી થઈ ? બેટીએ વિનંતી કરી કે, પહેલી તો આપની કૃપા છે. બીજી તો વૈષ્ણવની સેવા ટહેલથી શ્રીઠાકોરજી ભલી બુરી, જેવી તેવી માની લે છે, તે વખતે પદ્મનાભદાસે બેટીને ઘેર તે મહાપ્રસાદમાંથી ચાર ગ્રાસ પ્રસાદ લીધો ને કહ્યું કે બેટી તને ધન્ય છે ! હું તો જાણતો હતો કે તુલસાના ઉપરજ કૃપા છે, પણ તેના કરતાંય તું તો વધી. જુઓ! હરિજન (વૈષ્ણવ) ની ટહેલમાં રહે છે. તો શ્રીઠાકોરજી પણ તેને વશ રહે છે. ત્યારથી પદ્મનાભદાસજી નિત્ય તેને ઘેર આવતા. આ નાની દીકરી એવી પરમ વૈષ્ણવ હતી. (ભાવસિંધુ)  


*પદ્મનાભદાસના બેટાની વહુ પાર્વતીની વાર્તા*


પ્રસંગ 1 લો :- આ પાર્વતી શ્રીઠાકોરજીની સેવા બહુ સારી રીતે કરતાં હતા. પુરુષોત્તમદાસ મહેરા વૈષ્ણવ પાર્વતીને સારી રીતે ભગવદીય જાણતા હતા. તેથી તેઓ જયારે કનોજમાં આવતા ત્યારે પાર્વતીને ઘેર ઊતરતા. કેટલાક દિવસ પછી પાર્વતીના હાથે પગે કોઢ નીકળવાથી સફેદ થઈ ગયા તેથી શ્રીઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતાં તથા સ્પર્શ કરતા બહુજ ગ્લાનિ આવતી, ત્યારે પુરુષોત્તમદાસ મહેરાને પત્ર લખ્યો કે, શ્રીગુસાંઇજીને મારા માટે વિનંતી કરજો કે, મારાં દેહની આ સ્થિતિ થઈ છે, તેથી સેવા કરતા તથા સામગ્રી કરતાં બહુજ ગ્લાનિ આવે છે. આ પત્ર જયારે પુરુષોત્તમ મહેરાને પહોંચ્યો ત્યારે શ્રીગુંસાઈજી આગળ એક મહોર વાંચી સંભળાવ્યો. શ્રીગુંસાઈજીએ પુરુષોત્તમદાસ મહેરાને પત્ર લખવાની આજ્ઞા કરી કે, સેવા સુખેથી કરજો તમારા મનમાં કોઈ પણ વાતની ગ્લાનિ લાવશો નહીં, શ્રીઠાકોરજીની કૃપાથી તારો રોગ થોડા દિવસમાં દૂર થશે. પુરુષોત્તમદાસ મહેરાએ શ્રીગુસાંઇજીની આજ્ઞાનુસાર પાર્વતીને પત્ર લખ્યો, તેમાં શ્રીમુખનાં વચનામૃત લખી મોકલ્યાં. પાર્વતીને પત્ર મળ્યો ત્યારથી શ્રીગુસાંઇજીની આજ્ઞાથી ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યા, સેવા કરતાં ત્રણ ત્રણ ચાર મહિને તેના હાથ પગ સારા થઈ ગયા, એટલે ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યાં અને શ્રીગુંસાઈજી  ભેટ મોકલી પત્ર લખી જણાવ્યો કે, આપના પ્રતાપથી હું સારી થઈ છું. તે પત્ર વાંચીને શ્રીગુંસાઈજી બહુજ પ્રસન્ન થયા. એ એવા ભગવદીય હતાં કે આજ્ઞાપાલનથી શ્રીગુંસાઈજી તેના ઉપર સદા પ્રસન્ન રહેતા.


* પાર્વતીના બેટા રઘુનાથની વાર્તા * 


પ્રસંગ 1 લો :- આ રઘુનાથદાસ બનારસમાં ઘણાં શાસ્ત્ર ભણીને શ્રીગોકુળ આવ્યાં. ત્યારે શ્રીગુંસાઈજી મોટાઓ (પદ્મનાભદાસ) ની કાનીથી તેમના ઉપર કૃપા કરતા, કથા કહેતા તે રઘુનાથદાસ સાંભળતા. એક દિવસે પરમાનંદ સોની પૂછ્યું, તમે બહુ ભણીને પંડિત થયા છો ત્યારે શ્રીગુંસાઈજીએ શી કથા કહી તે કહો. રઘુનાથદાસે કહ્યું, જો તમે સાચું કહેવડાવતા હો તો મને તો કંઈજ સમજ પડતી નથી. હું શ્રીમહાપ્રભુજીની સેવા પ્રણાલીકા જાણતો નથી. પરમાનંદદાસ સોનીએ શ્રીગુંસાઈજીને કહ્યું, મહારાજ ! રઘુનાથદાસતો કંઈ કથા સમજતા નથી તેમ શ્રીમહાપ્રભુજીની પ્રણાલિકા પણ જાણતા નથી. ત્યાર પછી શ્રીગુસાંઇજીએ રઘુનાથદાસને કૃપા કરી બે ચાર ગ્રંથ ભણાવ્યા અને માર્ગની પ્રણાલિકા કહી. ત્યાર પછી રઘુનાથદાસ સઘળું સમજવા લાગ્યા અને મોટા પંડિત થયા. કેટલાક દિવસ પછી ત્યાંથી વિદાય થઈ કનોજ પોતાને ઘેર આવ્યા. પોતાની માતા પાર્વતીને કહ્યું, હું તો ન્યારી રસોઈ કરી શ્રીઠાકોરજીની સેવા કરીશ. પાર્વતીએ કહ્યું, ભલે તેમ કરો. પછી તે જુદી રસોઈ કરતા. તેમની માતા પાર્વતી જલ ભરી લાવતાં, પાત્ર માંજતા, અને શ્રીઠાકોરજીની સેવાની બધી પ્રચારગી કરતા, બે ત્રણ દિવસ વીત્યા પછી પાર્વતીના સેવ્ય શ્રીઠાકોરજીએ કહ્યું, " એકલી રોટી આરોગવાથી મારા ગળામાં ખૂંચ્યા કરે છે, તું દાળ તો કર !" પાર્વતીએ કહ્યું, મહારાજ, તમે તો શાક સલોના આરોગતા હશો. શ્રીઠાકોરજી એ કહ્યું, હું તો તારી કરેલી રોટી જ આરોગું છું. ત્યાર પછી તે નિત્ય દાળ, ભાત, શાક, સંધાણા બધું કરવા લાગ્યાં તે પાર્વતી એવાં પરમ કૃપાપાત્ર હતાં કે જેમણે શ્રીઠાકોરજીને એવા પ્રસન્ન કર્યા.    
---------------------------------------------------------------------------------
વાર્તા 4 થી. વૈષ્ણવ પદ્મનાભદાસ કનોજીયા બ્રાહ્મણ ( ભાગ - 1 )



---------------------------------------------------------------------------------
વાર્તા 4 થી. વૈષ્ણવ પદ્મનાભદાસ કનોજીયા બ્રાહ્મણ ( ભાગ - 2 )



---------------------------------------------------------------------------------



ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જઈને દેખે તો વડના નીચે આપ બિરા

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।