મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 2 જી. વૈષ્ણવ 2 જા .


252 વૈષ્ણવો ની વાર્તા 

વાર્તા 2 જી. વૈષ્ણવ 2 જા .
શ્રી ગુસાંઈજીના સેવક છીતસ્વામી ચોબાની વાર્તા .



 પ્રસંગ 1 :- આ છીતસ્વામી મથુરાજીમાં રહેતા હતા. અહીંયા બીજા પાંચ ચોબા રહેતા હતા. તે ઘણા લુચ્ચા હતા. ને ઠગાઈ કરતા. છીતુચોબા તેમના વડા હતા. તેમણે વિચાર કર્યો કે જે શ્રી ગોકુળમાં જાય છે તે શ્રી વિઠ્ઠલનાથજીને વશ થઈ જાય છે તેથી એમ જણાય છે કે શ્રી વિઠ્ઠલનાથજી જાદુ ટોણો બહુ જાણે છે. પણ જો અમારા ઉપર ટોણો ચાલે તો એ વાત સાચી મનાય. આ વિચાર તે પાંચ ચોબાઓ એ મળીને કર્યો. એક ખોટું નાળિયેળ અને ખોટો રૂપિયો લઈ અને પાંચ ચોબાઓ શ્રી ગોકુળમાં આવ્યા. ચાર ચોબા બહાર બેઠા અને મુખ્ય ચોબો જે છીતુ હતો તેને અંદર મોકલ્યો. તે છીતુ ચોબાએ ખોટું નાળીયેળ અને રૂપિયો જઈને ભેટ ધર્યો. ત્યારે શ્રી ગુંસાઈજીએ ખવાસને આજ્ઞા કરી કે આ રૂપિયાના પૈસા મંગાવો એટલે રૂપિયાના પૈસા આવ્યા. નાળીયેળ ફોડ્યું એટલે સફેદ ગળ નીકળ્યો. ત્યારે છીતસ્વામી એ જોઈને મનમાં વિચાર કર્યો કે આતો સાક્ષાત ઈશ્વર છે. ત્યારે છીતસ્વામીએ કહ્યું "મહારાજ અને શરણે લો" ત્યારે શ્રી ગુંસાઈજી એ તેમને નામ સંભળાવ્યું પછીથી શ્રીનવનિતપ્રિયજી ના દર્શન કરવાને ગયા. અંદર જુએ છે તો શ્રી ગુંસાઈજી  બિરાજતા હતા, બહાર આવીને જુએ છે તો પણ તે બિરાજ્યા હતા. ત્યારે છીતસ્વામીએ વિચાર કર્યો શ્રી ગુંસાઈજીની ઈશ્વરતા જીવથી જણાય એમ નથી. જે ચાર ચોબા બહાર બેઠા હતા તે છીતસ્વામીને બોલવા લાગ્યા. ત્યારે શ્રી ગુંસાઈજીએ આજ્ઞા કરી કે તમારો સંગી બહાર તમને બોલાવે છે તો તમે જાવ. ત્યારે છીતસ્વામીએ બહાર આવીને ચારચોબાને કહ્યું ' મને ટોણો લાગ્યો છે, તમે જતા રહો, નહીં તો તમને પણ લાગી જશે. આ સાંભળીને ચાર ચોબા નાસી ગયા. પછી છીતસ્વામી એ એક પદ કરીને ગાયું. તે પદ  રાગ નટ,


ભઈ અબ ગિરિધર સો પહેચાન,
કપટરૂપ ધરી છલવે આયો પુરૂષોત્તમ નહીં જાન. (1) 
છોટો બડો કછુ ના જાન્યો છાય રહ્યો આજ્ઞાન,
છીતસ્વામી દેખત અપનાયો શ્રી વિઠ્ઠલ કૃપાનિધાન. (2)

આ પદ સાંભળીને શ્રી ગુંસાઈજી ઘણા પ્રસન્ન થયા. છીતસ્વામી રાત્રે ત્યાં સુઈ રહ્યા અને ફરીથી બીજે દિવસે છીતસ્વામીને સાક્ષાત કોટિકંદર્પલાવણ્ય પૂર્ણપુરૂષોત્તમ ના દર્શન થયા. ભગવતલીલાનો અનુભવ થયો. શ્રી ગુંસાઈજી અને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં  અભેદ નિશ્ચય તેમને થયો. બેઉ સ્વરૂપ એક છે એમ જાણ્યું. ત્યારે છીતસ્વામી ગોપાલપુર શ્રીનાથજીના દર્શન માટે ગયા. અહીંયા શ્રીનાથજીની પાસે શ્રી ગુંસાઈજીને દીઠા. બહાર આવીને પૂછ્યું કે શ્રી ગુંસાઈજી ક્યારના પધાર્યા છે ? ત્યારે ત્યાંના લોકોએ કહ્યુકે શ્રી ગુંસાઈજી તો શ્રી ગોકુળમાં બિરાજે છે, પછીથી છીતસ્વામી ત્યાંથી નીકળીને શ્રી ગોકુળમાં આવ્યા અને શ્રી ગુસાંઈજીના દર્શન કર્યા. આથી છીતસ્વામીએ નિશ્ચય કર્યો કે શ્રીનાથજી અને શ્રી ગુંસાઈજી એકજ સ્વરૂપ છે. ત્યારથી છીતસ્વામીએ શ્રીગિરિધરણ શ્રી વિઠ્ઠલ એ છાપના ઘણાં પદ ગયા. એ છીતસ્વામી એવા કૃપાપાત્ર ભગવદીય હતા. 

પ્રસંગ 2 :- આ છીતસ્વામી બીરબલના પુરોહિત હતા. એ બીરબલ ની પાસે વર્ષાસન લેવા ગયા. તે વખતે સવારમાં છીતસ્વામીએ આ પદ ગયું.

જે વસુદેવ કિયે પૂરણ તપ, સોઈ ફ્લફલિત શ્રી વલ્લ્ભદેહ.

આ પદ સાંભળીને બીરબલ બોલ્યાં " હું તો વૈષ્ણવ છું, પણ જો આ વાત દેશાધિપતિ સાંભળશે તો તમેં શો જવાબ આપશો ? એ તો મ્લેચ્છ છે " ત્યારે છીતસ્વામી બોલ્યા " દેશાધિપતિ જો પૂછશે તો સ્પષ્ટ જ્વાબ દઈશ પણ મારે મનતો તું પણ મ્લેચ્છ છે. આજથી હું તારૂં પણમુખ જોઈશ નહીં" આ પ્રમાણે કહીને છીતસ્વામી ત્યાંથી ચાલી નીકળ્યા. જયારે આ વાત દેશાધિપતિ સાંભળી ત્યારે બીરબલને પૂછ્યું " તમારા પુરોહિત શા માટે રિસાઈને જતા રહ્યા ? ત્યારે બીરબલે સઘળી વાત દેશાધિપતિ આગળ કહી. બ્રાહ્મણલોક નકામી રીસ બહુ કરે છે. પછી દેશાધિપતિએ કહ્યું કે તું અને હું નાવમાં બેઠા હતા ત્યારે શ્રીદીક્ષિતજીએ મને આશીર્વાદ આપ્યો હતો. ત્યારે મેં મણી ભેટ કર્યો હતો. એ મણી એવો હતો કે દરરોજ પાંચ તોલા સોનું આપતો. આ મણીને શ્રી દીક્ષિતજીએ શ્રીયમુનાજી માં ફેંકી દીધો. તે વખતે મારા મનમાં ઘણો ગુસ્સો થયો મેં તે મણી પાછો માંગ્યો તેથી શ્રી દિક્ષીતજીએ  શ્રીયમુનાજીમાં થી ખોબા ભરીને મણી કાઢ્યા. અને કહ્યું " તમારો મણિ હોય તેને ઓળખી લ્યો " ત્યારે મને એવો નિશ્ચય થયો કે એ સાક્ષાત ઈશ્વર વિના આ કાર્ય ન થાય. આ વાતનો તમે વિચાર કર્યો ? તમારા પુરોહિતની બધી વાત સાચી છે. તો તમેં કેમ આ વિચાર ના કર્યો. આ વાત સાંભળી બીરબલ ઘણો ફિક્કો પડી ગયો. કંઈ પણ બોલ્યો નહીં. આ વાત શ્રી ગુંસાઈજીએ સાંભળી. તે વખતે લાહોરના વૈષ્ણવ આવ્યા હતા. તેમને આજ્ઞા કરી કે છીતસ્વામીની દેખરેખ રાખતા રહેજો. તે વખતે છીતસ્વામી બોલ્યા, " મૈં વૈષ્ણવ ધર્મ વેચવાને માટે લીધો નથી. મારે તો વિશ્રામ ઘાટ છે, અને આપની કૃપાથી સર્વ કંઈ ચાલ્યું જશે. આ વાત સાંભળીને શ્રી ગુંસાઈજી ઘણા પ્રસન્ન થયા. 

પ્રસંગ 3:- એક દિવસ બીરબલ દેશાધિપતિની રજા લઈને શ્રી ગોકુળમાં જન્માષ્ટમીના દર્શન કરવાને આવ્યો. તેની પાછળ વેષ બદલી ને દેશાધિપતિ પણ છાનોમાનો આવ્યો. જન્માષ્ટમીના પારણાંના દર્શન કર્યા. આ સમયે મનુષ્યની ભીડ ઘણી હતી. શ્રી ગુંસાઈજી સિવાય બીજા કોઈએ દેશાધિપતિને ઓળખ્યો નહીં. તે વખતે છીતસ્વામી કીર્તન કરતા હતા. શ્રી ગુંસાઈજી શ્રીનવનિતપ્રિયાજી ને પારણાં ઝુલાવતા હતા. ત્યારે છીતસ્વામીએ આ પદ ગાયું-


પ્રિય નવનીત પાલને ઝૂલે   શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. 
કબહું ક આપ સંગમીલ ઝૂલે   કબહુક ઉત્તર ઝુલાવે હો.        (1) 
કબહુક સુરંગ ખિલોના લેલે નાના ભાંતિ ખીલવે હો.
ચકઈ બંકી ફરકની લહટુ ઝુન ઝૂના હાથ બજાવે હો.            (2)
ભોજન કરત થાલ  એક ઝારી દોઉમિલ ખાય ખવાવે હો.
ગુપ્ત મહારસ પ્રકટ જનાવે પ્રીતિનઈ ઉપજાવે હો.              (3)
ધન્ય ધન્ય ભાગ્ય દાસ નીજ જનકે જિન યહ દર્શન પાયે હો.
છીતસ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી ગાયે હો. (4)

એવાં દર્શન છીતસ્વામીને થયા. બીજા માણસોને સાધારણ દર્શન થયા. પછી દેશાધિપતિ ત્યાંથી જવા લાગ્યા, ત્યારે શ્રી ગુંસાઈજીએ ગુપ્ત રીતે દેશાધિપતિ ને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી દેશાધિપતિ આંગ્રે આવ્યો. બીજે દિવસે બીરબલ પણ આવ્યો. દેશાધિપતિએ બીરબલને પૂછ્યું " શાં દર્શન કર્યા?" બીરબલે કહ્યું શ્રી નવનીતપ્રિયાજી પારણામાં ઝૂલતા હતા અને શ્રીગુંસાઈજી ઝુલાવતાં હતાં." દેશાધિપતિ એ કહ્યું "આ વાત જૂઠી છે" શ્રીગુંસાઈજી પારણમાં ઝૂલતા હતા અને શ્રી નવનિતપ્રિયાજી ઝુલાવતા હતા. મને એવા દર્શન થયા. અને છીતસ્વામી તમારો પુરોહિત એવાંજ કીર્તન ગાતાં હતા. હું તારી પાસે ઉભો હતો." ત્યારે બીરબલે કહ્યું " મને એવાં દર્શન શાથી ન થયા?" ત્યારે દેશાધિપતિએ કહ્યું " તને તારા ગુરૂના સ્વરૂપનું જ્ઞાન ન હોતું. તારા પુરોહિત છીતસ્વામી જેમને આ વાતનો અનુભવ છે તેમનામાં તારી પ્રીતિ નથી. તો તેને એવા દર્શન શી રીતે થાય ? " એ છીતસ્વામી એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા અનિર્વચનીય છે.
વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 2 જા.

(સાર) :-  (1) ભગવદભાવની સ્મુર્તિ માટે ગુરૂ પાસેથી નિવેદન મંત્ર ગ્રહણ કરવો જોઈએ. તે વગર ભક્તિમાર્ગ માં પ્રભુની કૃપાને પાત્ર જીવ થતો નથી. (2) શ્રી ગુંસાઈજી તથા શ્રી વલ્લભાચાર્યજી શ્રી ઠાકોરજી નું જ સ્વરૂપ છે એવો ભાવ હોવો જોઈએ. શ્રી સર્વોત્તમસ્તોત્ર માં શ્રી વલ્લભાચાર્યજીને " आनंद: परमानंद श्रीकृष्णा स्वयं कृपानिधि: એમ કહેલ છે તે બરાબર છે. શ્રી વલ્લભાષ્ટકમાં પણ કહ્યું છે. "स्वस्मिन्कृष्णास्यतांत्वं प्रकटयसि " આ ઉપર થી જણાય છે કે શ્રી આચાર્યજી ભગવદ આંસ્યરૂપ છે, વૈશ્વાનર છે, તેમ વસ્તુતઃ કૃષ્ણજ છે. વળી ગોપાળદાસે વલ્લભાખ્યાનમાં શ્રી ગુંસાઈજીના સ્વરૂપનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે. 


વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવ ઘનશ્યામ તમાલ,
જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ       
(3)  કપટ વેશથી જે ગુરૂ પાસે જાય છે તેમનું જીવન સુધરી જાય છે તો પછી પૂર્ણ ભાવથી ગુરૂનું શરણ જે ભક્તો ગ્રહણ કરે તેના ભાગ્યની વાત શી કરવી ? (4) મંદિરમાં દર્શન કરવા ઘણા જાય છે પણ સર્વ કોઈ અધિકાર પ્રમાણે દર્શન કરે છે. મથુરામાં રંગમંડપ માં શ્રી બળદેવજી સાથે શ્રી પ્રભુજી પધાર્યા ત્યારે તેમનું દર્શન પ્રેક્ષકોને જુદા જુદાં સ્વરૂપે થયું. દશરસ મૂર્તિરૂપે દર્શન થયાં.મલ્લોને વ્રજ રૂપે દર્શન થયા (રૌદ્રરસ), મનુષ્યોને ઉત્તમ મનુષ્ય રૂપે દર્શન થયાં (અદભુતરસ), સ્ત્રીઓને મૂર્તિમાન્કામદેવ રૂપે દર્શન થયા(શૃંગારરસ), ગોપને સ્વજન રૂપે દર્શન થયાં (હાસ્યરસ), અસ્ત રાજાઓને શાસક કરનાર રૂપે દર્શન થયા (વીરરસ), પોતાના પિતા માતા ને શીશુરૂપે દર્શન થયાં (કરૂણરસ), ભોજપતિ કંસને મુત્યુરૂપે દર્શન થયાં (ભયાનકરસ), અવિદ્રાન લોકોને વિરાટ રૂપે દર્શન થયાં (બીભત્સરસ), યોગીઓને પરમતત્વ રૂપે દર્શન થયાં (ભક્તિરસ) આથી એમ સમજવું કે જેને જેવો ભાવ હોય તેવા દર્શન થાય. (5) ગમે તેટલા અપરાધથી ભરેલો કૂટીલજીવ હોય પણ જો તે પ્રભુની સન્મુખ જાય તો પ્રભુ તેના ઉપર કૃપા કરે છે અને પોતાનો કરી લે છે પણ કોટી સાધનો કરો તો પણ જો પ્રભુની સન્મુખ જે જીવ ન હોય તો તેને ભગવદ પ્રાપ્તિ સંભવ પણ નથી. 


આ છીતસ્વામી અષ્ટસખામાંના એક પરમ સખા હતા. 
  * છીતસ્વામી પ્રથમ જયારે શ્રીગુંસાઈજી પાસે ખોટું નાળિયેળ અને ખોટો રૂપિયો લઈને કપટ વેષથી ગયા ત્યારે શ્રીગુંસાઈજી ના પ્રતાપથી તે નાળિયેળ અને ખોટો રૂપિયો સાચું બની ગયું એમ જયારે છીતસ્વામીએ જોયું ત્યારે તેમને ઘણું આશ્ચ્રર્ય થયું. શ્રી ગુંસાઈજીની કૃપા જોઈને તે સમયે એમણે નીચે પ્રમાણે કીર્તન ગાયું હતું એમ એક પુસ્તકમાં જણાય છે. 
   
  હો ચરણારપત્રકી છૈયા. કૃપાસિંધુ શ્રી વલ્લભનંદન વહો જાત રાખ્યો ગહી બહિયા. અષ્ટસખાના ધોળમાં છીતસ્વામી સંબંધ નીચે પ્રમાણે ધોળ છે. 
     *છીતસ્વામી ચોબા તે પ્રપંચે ભર્યા, પાંચ સખામાં પોતે તે સરદાર જો; છલ કરવા સારૂ શ્રી ગોકુલ આવીઆ, શ્રી વિઠ્ઠલવર તો પોતે પરમ ઉદાર જો. 1

દર્શન કરતાં દીઠા તે શ્રીનાથજી લજ્જીત થઈને સંકોચાયા મન માંહે જો; થો થો ખોટો રૂપિયો ખરો થયો, એવું જાણી શરણ થયા વલી ત્યાંહે જો. 2 

વલતી ભેદ મટ્યો તે રૂદિયા માહ્યંથી, શ્રીવિઠ્ઠલ ને શ્રી ગિરિધર એક જો; વરસોદી લેવા સારૂ પોતે ગયા, તે છોડીને આવ્યા એવી ટેક જો. 3

ગુણ ઘણા ગાયા શ્રી વિઠ્ઠલનાથના. એ શ્રી ગિરિધર પોતે નિશ્ચે જાણી જો; બીજા એમના ગુણ તે હું શા શા કહું; વલ્લભદાસ તે બોલ્યા મુખથી વાણી જો. 4 
---------------------------------------------------------------------------------




---------------------------------------------------------------------------------


      
             
     
  


ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1