252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 43 મી. વૈષ્ણવ 43 માં. શ્રીગુસાંઇજીના સેવક શાહુકારના બેટાની વહુની વાર્તા.
પ્રસંગ 1 લો :- એ વહુ એક દિવસ બારીમાં બેઠી હતી. એક તુરકે એને દીઠી. અને તેની એમાં આસક્તિ થઈ તેથી એને દીઠા વગર એ પાણી પણ લેતો નહીં. ત્યારે ગામમાં બહુ ચર્ચા થઈ. ન્યાતમાં બહુ નિંદા થઈ. ત્યારે એ વહુના ઘરના માણસો તેને શ્રીગોકુળમાં લઈ ગયા. તુરકને આ વાતની ખબર પડી. તે પણ તેની પાછળ ગયો. રસ્તામાં જઈને મળ્યો. લોકોએ કહ્યું, " જે દુઃખને લીધે ઘર છોડ્યું તે દુઃખ તો આગળ આવ્યું." આ પ્રમાણે કહીને શ્રીગોકુળ પહોંચ્યા. અને નાવવાળને એ શાહુકારે કહ્યું એને (તુરકને) પાર ઉતારીશ નહીં. આ તુરક શ્રીયમુનાજીના કિનારા પર બેસી રહ્યો. શાહુકારે જઈને શ્રીગુંસાઈજી તથા શ્રીનવનીતપ્રિયાજીના દર્શન કર્યા. જયારે આ શાહુકારે મહાપ્રસાદ લેવાની તૈયારી કરી ત્યારે શ્રીગુસાંઇજીએ પાંચ પાતળ ધરાવી. અને તુરકને માણસ મોકલીને શ્રીગુસાંઇજીએ બોલાવી લીધો. એ પાંચ જણાઓ દુર દુર પ્રસાદ લેવાને બેઠા. શ્રીગુંસાઈજી એમની સામે આવીને બિરાજ્યા. આ ચાર જણાઓ પ્રસાદ લઈને ઉઠ્યા. પણ તુરકની દ્રષ્ટિ અને મન શ્રીગુસાંઇજીના ચરણ કમળમાં લાગી રહ્યાં હતાં. કંઈ પણ દેહાનું સંધાન રહ્યું નહિં જ્યાં સુધી શ્રીગુંસાઈજી આ તુરકની સામે બિરાજતાં હતા ત્યાં સુધી દર્શન કરી રહ્યો. જયારે શ્રીગુંસાઈજી ઉઠીને અંદર પધાર્યા ત્યારે આની દેહ છૂટી ગઈ. આ વાત શ્રીગુસાંઇજીએ જાણી. ત્યારે શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "આ તુરકને અગ્નિ નો સંસ્કાર કરાવો. આ વાતનું કારણ વૈષ્ણવોએ શ્રીગુસાંઇજીને પૂછ્યું. ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું, " એ આગલા જન્મમાં બ્રાહ્મણ વૈષ્ણવ હતો. અને આ વહુ એની સ્ત્રી હતી. એક દિવસે વૈષ્ણવની સાથે ભગવદ વાર્તા કરતાં તેમાં કાંઈ દોષ ન હોતો છતાં આના મનમાં વૈષ્ણવ પર આ સ્ત્રીનો દોષ આવ્યો હતો. આ અપરાધને લીધે તેણે તુરકના ઘરમાં જન્મ લીધો છે. તેની સ્ત્રી ક્ષત્રીની વહુ થઈ. જયારે આ વહુને એણે દીઠી ત્યારે તેના નેત્રોમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયાં. તેથી આ વહુમાં એનું મન લાગ્યું. શ્રીગોકુળ આવી શ્રીયમુનાજલ પાન કર્યું ત્યારે આનો અપરાધ જતો રહ્યો. હવે ભગવદ લીલાંમાં તે પ્રાપ્ત થયો છે. એ વાત સાંભળીને આ વહુને વિરહ તાપ થયો. આથી દેહ છૂટી ગઈ. તેણે પણ ભગવદ્લીલામાં પ્રવેશ કર્યો. આ વહુ આવી કૃપાપાત્ર હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 43 માં.
સાર (1) એક વખત જો ભગવાનનું ભજન થયું હોય તો તેનું ફળ મળ્યા વગર રહેતું નથી. બીજને જમીનમાં રોપ્યું હોય તો વખત આવે, વૃક્ષના રૂપમાં બહાર તે પ્રકટ થાય છે અને વર્ણ અંકુર ફૂલ તથા ફળ તેને આવે છે. પૂર્વ જન્મમાં કરેલી ભક્તિનું ફળ કદાચ અમુક અપરાધને લીધે તત્કાલિક મળ્યું ન હોય તોપણ તે વ્યર્થ જતી નથી. અન્ય જન્મમાં તેનું ફળ મળે છેજ, (2) જીવે કોઈનો દોષ જોવા નહીં. વૈષ્ણવના તો ખાસ કરીને જોવાં નહીં. એથી મોટો અપરાધ થાય છે. અને તેને પરિણામે ભક્તિના ફળમાં વિલંભ થાય છે,
એમનાં સેવ્ય શ્રીઠાકોરજી શ્રીસ્વામિનીજી સહિત શ્રીવ્રજેશ્વરજી હતા.તે શ્રી ગંગાજીમાંથી પ્રાપ્ત થયા હતા. હાલ કોટામાં શ્રી કન્હૈયાલાલજી મહારાજ ને માથે બિરાજે છે. એ બાઈ સુરતના રહેવાશી હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો