મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 9 મી. વૈષ્ણવ 9 માં.


252 વૈષ્ણવોની વાર્તા 

વાર્તા 9 મી. વૈષ્ણવ 9 માં. શ્રીગુસાંઇજીના સેવક ગૌડ દેશના નારાયણદાસ બાદશાહ ના દીવાન હતા તેમની વાર્તા.   



પ્રસંગ 1 :- એક વખત શ્રીગુંસાઈજી  શ્રીજગન્નાથરાયજીનાં દર્શન કરવાને પધાર્યા. સંગમાં જે વસ્તુ હતી તે બધી ભેટ કરી દીધી. આ વાત નારાયણદાસે ઘેર બેઠે તે વખતે જાણી. તેમને શ્રીજગન્નાથરાયજીએ જણાવી. ત્યારે નારાયણદાસે બીજે ખટલો તથા અસ્વારી બેસવાને મોકલી. માણસોને કહ્યું કે પુરુષોત્તમ ક્ષેત્રની બહાર મુકામ કરો. જયારે શ્રીગુસાંઇજી પધારે ત્યારે ખબર આપજો. માણસોએ ખટલો લઈને પુરુષોત્તમ ક્ષેત્રની બહાર ડેરો કર્યો. શ્રીગુંસાઈજી પધાર્યા ત્યારે આ ખટલામાં સામાન સર્વ બાળકો વહુ બેટી સાથે નારાયણદાસને ઘેર પધાર્યા. તે વખતે નારાયણદાસે સર્વ સમર્પણ મનથી કર્યું મોઢેથી બોલ્યા નહીં. મનમાં એવું જાણ્યું કે જો બોલું તો શ્રીગુંસાઈજી ના પાડશે. ત્યાર પછીથી શ્રીગુંસાઈજી ગોકુળ પધાર્યા ત્યારે નારાયણદાસે માણસો સાથે સઘળું દ્રવ્ય ત્યાં મોકલી દીધું. એ નારાયણદાસ એવા કૃપાપાત્ર હતા.

પ્રસંગ 2 :- એક વખતે નારાયણદાસે  શ્રીગુસાંઇજીને વિનંતી પત્ર લખીને મોકલ્યો. ત્યારે શ્રીગુંસાઈજી ગૌડ દેશમાં પધાર્યા. જયારે ગામ બહાર નારાયણદાસ શ્રીગુસાંઇજીને પધરાવવા આવ્યા ત્યારે તે શ્રીગુસાંઇજીનાં ચરણારવિંદના દર્શન કરીને મર્ચ્છા ખાઈ ગયા. તે વખતે તેમને ભગવલ્લીલાનાં દર્શન થયાં હતાં તેથી ભગવલ્લીલામાં પ્રવેશ કરવા લાગ્યા. શ્રીગુસાંઇજીએ વિચાર્યું. હાલમાં તો એને બહુ કામ કરવાનું છે. માટે લીલામાં પ્રવેશ કરવાની વાર છે. એ વિચાર કરીને શ્રીગુસાંઇજીએ નારાયણદાસના કાનમાં કહ્યુકે " ઉઠો હજુ વાર છે " ત્યારે નારાયણદાસ તે સાંભળીને બેઠા થયા. અને શ્રીગુસાંઇજીને ઘરમાં પધરાવવા લે ગયા. પછી શ્રીગુંસાઈજી નારાયણદાસને લઈને અડેલ પધાર્યા. એ નારાયણદાસજીને એવી શ્રીગુસાંઇજીની આજ્ઞામાં વિશ્વાસ હતો. કે ભગવદલ્લીલામાં પ્રવેશ કરવાની ઢીલ કરી.

પ્રસંગ 3 :- એક  સમય નારાયણદાસે શ્રીગુસાંઇજીને પત્ર લખ્યો કે મને સત્સંગ નથી. આ પત્ર શ્રીગુસાંઇજીએ વાંચીને ચાચા હરિવંશજીને આજ્ઞા આપી કે "તમે નારાયણદાસ પાસે જાવ." ત્યારે ચાચાજીએ વિનંતી કરી "આપના દર્શન વગર કેવી રીતે હું રહી શકું " શ્રીગુસાંઇજીએ આજ્ઞા આપી ? તમને સર્વ ઠેકાણે હંમેશા દર્શન દઈશ. પછીથી ચાચાજી નારાયણદાસ પાસે આવ્યા તેમને માર્ગની પ્રણાલીકા દેખાડી. વૈષ્ણવને ઉતરવાને માટે જાદુ ઘર કરાવરાવ્યું. શ્રીઠાકોરજીની સેવાને માટે જાદુ મંદિર કરાવરાવ્યું. નારાયણદાસ તથા તેમની સ્ત્રી ચાચાજીની સાથે ભગવત્સેવા કરવા લાગ્યા અને ચાચાજી તથા નારાયણદાસ ભગવાનની વાર્તા કરવા લાગ્યા. વાર્તામાં બે ત્રણ દિવસ સુધી દેહનું સંધાન ભૂલી જતા એમ કરતા ઘણા દિવસ વીત્યા. ત્યારે ચાચાજીએ શ્રીગુસાંઇજીને વિનંતી કરી. નારાયણદાસ લીલાના દર્શન કરીને મૂર્છિત થઈ જાય છે. હાલમાં કાર્ય તો બહુ કરવાનું છે, તેથી શ્રી ઠાકોરજી નારાયણદાસને આ દેહથી લીલાનો અનુભવ આપવા લાગ્યા. વળી જયારે લીલાનાં દર્શન કરતા ત્યારે મૂરછા નહોતી આવતી. એ ચાચાજીની વિનંતીથી અને શ્રીગુસાંઇજીની કાનીથી શ્રીઠાકોરજીએ ઘણી કૃપા કરી પછીથી ચાચાજી ત્યાંથી શ્રીગોકુળ આવ્યા.

પ્રસંગ 4 :- આ નારાયણદાસની સ્ત્રી શ્રીઠાકોરજીની સેવા કરતી અને જે વૈષ્ણવો આવતા તેમની ટહેલ કરતી. એક દિવસ ચાર ઠગ વૈષ્ણવોનો વેશ લઈને નારાયણદાસને ઘેર આવ્યા. તે વખતે નારાયણદાસ  રાજદરબારમાં ગયા હતા. એ ઠગોએ વીરાને ભગવદ વાર્તા સંભળાવી. તેથી વિરાને ભગવદ રસનો આવેશ આવ્યો. ત્યારે મૂર્ચ્છા આવી એટલે એ ઠગોએ વીરાને ગળામાં ફાંસો દઈને સઘળા ઘરેણાં ઉતારી લીધાં અને ત્યાંથી ચાલ્યા. રસ્તામાં નારાયણદાસ મળ્યાં. ત્યારે નારાયણદાસે કહ્યું "અમારી વિદાયગીરી લીધા સિવાય  તમે કેમ જાઓ છો? એમ કહીને નારાયણદાસ એમને પાછા ઘેર લઈ ગયા. નારાયણદાસ ઘરમાં ગયા. તો સ્ત્રી મરેલી છે. એમ સાંભળ્યું પણ નારાયણદાસે તે સ્ત્રીને દીઠી તે વખતે એ ભગવદરસના આવેશમાં હતી તેથી તેમણે એના ગળામાંથી ફાંસો કાઢ્યો અને લોકોને કહ્યુકે એ મરી ગઈ નથી. એ વાત જૂઠી છે. નારાયણદાસે મનમાં જાણ્યું કે જો મરી ગઈ છે એમ કહ્યું તો કોઈ વૈષ્ણવોનો સંગ કરશે નહીં. તેથી સ્ત્રીને  ચરણામૃત આપીને જીવતી કરી. ત્યારે એ ઠગ નારાયણદાસને પગે પડ્યા. અને કહ્યું અમને વૈષ્ણવ બનાવો, ત્યારે નારાયણદાસે કહ્યું તમે શ્રીગોકુળમાં શ્રીગુંસાઈજી પાસે જાઓ અને વૈષ્ણવ થાઓ. પછી તેમણે તે ઠગને મહાપ્રસાદ લેવડાવીને શ્રીગુંસાઈજી ઉપર પત્ર લખ્યો. નારાયણદાસે વૈષ્ણવમાં દોષ ના દીઠો. જગતમાં વૈષ્ણવોની નિન્દા ન થાય તે પ્રમાણે કહ્યું આ નારાયણદાસ એવા કૃપાપાત્ર હતા. 

પ્રસંગ 5 :- એક સમય શ્રીગુંસાઈજી ગૌડ દેશમાં પધાર્યા હતા. નારાયણદાસજીને ઘેર બિરાજ્યા હતાં. નારાયણદાસ શ્રીગુસાંઇજીની સેવામાં હતા. તેથી રાજદ્વારમાં જવાનું બનતું ન હોતું તેથી બાદશાહે એવો હુકમ કર્યો " નારાયણદાસ જ્યાં સુધી તમારાં ગુરુ અહીંયા રહે ત્યાં સુધી તમે એમની સેવા કરો. શ્રીગુસાંઇજીની કૃપાથી મ્લેચ્છનું મન એમ ફરી ગયું. એક દિવસ બાદશાહે કહ્યું "નારાયણદાસ અમે તમારા ગુરુના દર્શન કરીશું તમે અમારી  વતી વિનંતી કરો. ત્યારે તેમણે આપને વિનંતી કરીને બાદશાહને ઘેર લઈ ગયાં અને શ્રીગુસાંઇજીના દર્શન કરાવ્યાં. દર વર્ષે નારાયણદાસને ઘેર બાદશાહ જતા અને નઝરાણાં લેતાં હતા. આ દિવસે નારાયણદાસે બાદશાહની આગળ એક લાખ રૂપિયા ધર્યા ત્યારે બાદશાહે કહ્યું " હું નઝરાણાં લેવાને આવ્યો નથી, દર્શન કરવાને આવ્યો છું. આ દ્રવ્ય તમે શ્રીગુસાંઇજીને ભેટ આપો. અને હવેથી કોઈ દિવસ નઝરાણાં નહીં લઉં. આ તો સાક્ષાત શ્રીકન્હૈયાલાલ છે. તેમની કંઈક પ્રસાદી જોઈએ છે. પછીથી શ્રીગુસાંઇજીએ પ્રસાદી ઉપરણો આપ્યો, આ ઉપરણો હંમેશા માથે બાંધતા હતા. જયારે શ્રીગુંસાઈજી પધારવાનો વિચાર કરતાં ત્યારે નારાયણદાસને મૂર્ચ્છા આવતી તેથી શ્રીગુસાંઇજીએ ચાચા હરિવંશજીને કહ્યું "તમે એમને સંયોગ શૃંગાર રસનો ઉપદેશ આપો. અને સંયોગની વાર્તા સંભળાવો. અમે એમને નિત્ય દર્શન દઈશું. વિપ્રયોગની વાર્તા સંભળાવશો નહીં. સંયોગ રસના અનુભવ વિના ભગવત્સેવા બનતી નથી. પછીથી ચાચાજી ના સંગથી એમને સંયોગ રસનો અનુભવ થયો અને ભગવત્સેવા કરવા લાગ્યા. જે કામ સંસાર વ્યવહારનું હતું તેને ભગવત્સેવા માનીને કરતાં. સર્વ ઠેકાણે તેમને ભગવાનનો અનુભવ સ્ફુર્તો થયો. આ નારાયણદાસ એવા કૃપાપાત્ર હતા. 

પ્રસંગ 6 :- એક દિવસ નારાયણદાસને ઘેર શ્રીગોપીનાથજીના બેટીજી શ્રીસત્યભામાજી  શ્રીજગન્નાથરાયજીના દર્શન કરીને પાછાં આવતાં પધાર્યા. તેમનો આગ્રહ જોઈને ત્યાં કેટલાક દિવસ બિરાજ્યા. નારાયણદાસનાં ઘરની પાસે એક જેલખાનું હતું. જે લોકો બાદશાહને કર ભરતા નહોતા તેમને જેલમાં નાખતાં તેથી તે ઘણાજ દુઃખી હતા, ઘણો પોકાર કરતા. એમનો પોકાર સાંભળીને શ્રીસત્યભામાબેટીજીએ એવો વિચાર કર્યો. આ લોકો દુઃખી  છે તો તેમનું દુઃખ ભાગ્યા વગર હું ભોજન નહીં કરું. ત્યારે શ્રી બેટીજીએ ભોજન કર્યા વગર પધારવાની તૈયારી કરી. ત્યારે નારાયણદાસને ના કહી. જયારે શ્રીબેટીજીએ આખો દિવસ ભોજન ના કર્યું. ત્યારે ગામમાં જેટલાં વૈષ્ણવ હતા. તેમણે પણ પ્રસાદ લીધો નહીં. સર્વે વૈષ્ણવ ભૂખ્યા રહ્યા આ વાતની ખબર બાદશાહને પડી. બાદશાહે નારાયણદાસને પૂછ્યું તેથી તેમણે સર્વે સમાચાર કહ્યા. ત્યારે બાદશાહે કહ્યું " શ્રી બેટીજીને પચીસ હજાર રૂપિયા ભેટ કરીને ભેટ ભોજન કરવાની વિનંતી કરો."  શ્રીબેટીજીએ એ વાત સાંભળીને કહ્યું " બાદશાહને કહો કે મારે પચીસ હજાર રૂપિયા નથી જોયતા. આ કેદીઓને માફ કરીને છોડી દો " આ વાત બાદશાહની આગળ નારાયણદાસે કહી. ત્યારે બાદશાહે કહ્યું આવાં ત્યાગી શ્રીબેટીજી મહારાજની આજ્ઞા ને હું માથે ન ચઢાવું તો અમારું બૂરું થશે. તેથી બધા કેદીઓને બાદશાહે છોડી દીધા. ત્યારે શ્રીબેટીજીએ ભોજન લીધું. આ નારાયણદાસ એવા પરમ કૃપાપાત્ર વૈષ્ણવ હતા. કે જેમના સંગથી બાદશાહની બુદ્ધિ નિર્મળ થઈ હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 9 માં વાર્તા 9 મી સમાપ્ત.

(સાર) (1) ગુરુને ભેટ કરાવીને તો તે ગુપ્ત રીતે કરવી. બાહ્યકીર્તિની ખાતર તથા મોટાઈની ખાતર કરવી નહીં. (2) સત્સંગ સિવાય ભગવદીયોએ એક દિવસ પણ ગાળવો નહીં ( પ્રસંગ 3 ) (3) વૈષ્ણવની ટહેલ  ભાવથી કરવી નામધારી વૈષ્ણવ હોય તોપણ તેના તરફ ભાવ રાખવો અને સેવા કરવી. (4) લૌકિક આફતમાં ગભરાઈ જવું નહીં અને ચિંતા કરવી નહીં. (5) જેને વૈષ્ણવ તરીકે સ્વીકાર્યો હોય તેના અપરાધ જોવા નહીં કે નિંદા કરવી નહીં. (6) વૈષ્ણવની કાની થી મ્લેચ્છનો પણ ઉદ્ધાર થાય છે. (7) વૈષ્ણવનું હૃદય કોમળ હોય છે અને તે દયાથી ભરેલું હોય છે. દુનિયામાં ગમેતેવા જીવો હોય પણ તેણે તો સમાનવૃત્તિ રાખવી જોઈએ. 


આ નારાયણદાસને ઘેર 4 ઠગ વૈષ્ણવ વેષે આવ્યા હતા, તેમની ટહેલ તેમની સ્ત્રીએ કરી હતી. પણ ઠગોએ તેને ગળામાં ફાંસો દઈને મારી નાખી હતી. એ પ્રસંગને દયારામભાઈએ નીચેના પદમાં ગયું છે.    

બહાનું બળીયુ રે શ્રીકૃષ્ણ રાધાવરનું;
અધમને ઉંચુ પદ આપે, કાપે દુઃખ પર પરનું.   1 
ભગવદ ભક્ત નારાયણ ધેર, ઠગ વૈષ્ણવ ચાર આવ્યા;
પ્રેમ પાસે રાખ્યા, બહાનાને નવ દુભાયા.     2
માલ પિયારો ખાય રસ માતો, કૃત વિષે ના કરતો;
ચકરાકૃત દેખી સો કંપે, હીડે નિર્ભય ફરતો.  3
ઉદય પરાયણ દયે ભવૈયે, વૈષ્ણવનું બાનું લીધું;
હત્યા ચાર દૂર ગઈ તત્ક્ષણ, સર્વ કાર્ય સીધું.   4
સત્ય અસત્ય ધર્મ અંતરનો, અંતર્યામી જાણે; 
છાપાં તિલક માળા દેખીને, સૌ જન ભક્ત પ્રમાણે.  5
કપટ સહિત જેનાં કારજ સીધાં, તો સાચે શું નવ થાયે; 
અરે દયા તું પ્રભુને મૂકી, એળે શીદ અથડાયે.  6 

   
--------------------------------------------------------------------------------------------------------------------------


   
------------------------------------------------------------------------------------------------------------------------











ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।