252 વૈષ્ણવો ની વાર્તા.
વાર્તા 40 મી. વૈષ્ણવ 40 માં. શ્રીગુસાંઇજીના સેવક એક બ્રાહ્મણની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ બ્રાહ્મણ એની સ્ત્રી સહિત ગંગાજીના કિનારા ઉપર ઝૂંપડી બાંધીને ત્યાં શ્રીઠાકોરજીને પધરાવીને સેવા કરતા. તે ભિક્ષા માંગી લાવતો એક દિવસનું સીધું હોય તો બીજા દિવસનું કોઈ આપવા આવે તો લેતા નહીં. શ્રીઠાકોરજીના રાજભોગ પછી જેટલાં વૈષ્ણવ આવ્યા હોય તે બધાંની પાતળ કરતાં. ભગવત્સેવા અને ભગવદ્દ દર્શન સિવાય બીજી જગ્યાએ એનું ચિત્ત ચોંટતું નહીં. આમ કરતાં ઘણાં દિવસ વીત્યા. ત્યારે એક પંડિત ગંગાજીના તટપર તપ કરવાને આવ્યો. એ બહુ વિદ્વાન હતો. સામુદ્વિક શાસ્ત્ર ભણ્યો હતો. તે આ બ્રાહ્મણના ઘરની પાસ રહેતો હતો. એ પંડિતને મહાપ્રસાદની પાતળ આ બ્રાહ્મણ ધરતા હતા. એક દિવસે એ પંડિતે જ્યોતિષના બળથી તથા સામુંદ્વિકના બળથી એવું જાણ્યું કે "આવતી કાલે આ બ્રાહ્મણ ઉપર ચોરીનો મુદ્દો આવશે. રાજાના માણસો એને પકડીને લઈ જશે. અને રાજાના હુકમથી એને ફાંસી દેશે. આ પંડિત એમનાં મનમાં અનેક સંકલ્પ વિકલ્પ કરવા લાગ્યા. કાલે દશ ઘડી થશે એટલે આ બ્રાહ્મણનો પ્રાણ જશે. આમ વિચાર કરતા. આ પંડિતનો સઘળો દિવસ ગયો. જયારે તે વખત આવ્યો ત્યારે તે બ્રાહ્મણ જપ કરતો હતો. અને બ્રાહ્મણને ઉંઘ આવી ત્યારે સ્વપ્નામાં એ સર્વ વ્યવસ્થા થયેલી જોઇ. જયારે તે જાગ્યો ત્યારે સ્ત્રીને કહ્યું " હું છુવાઈ ગયો છું માટે મને ન્હવડાવ" ત્યારે તે બ્રાહ્મણ ન્હાઈને ફરીથી સેવા કરવા લાગ્યા. આ વાત દેખીને એ પંડિતે વિચાર્યું આ શાસ્ત્ર બધાં જુઠા છે. માટે ગંગાજીમાં ફેંકવા ગયા. ત્યારે આ બ્રાહ્મણે કહ્યું શા માટે ફેંકી દો છો ? એ બધાં સાચાં છે જેનાં ઉપર પ્રભુની કૃપા હોય છે તે ને હઝારો વર્ષનાં દુઃખમાંથી ક્ષણમાં મુક્ત કરી દે છે. એમાં કંઈ આશ્ચ્રર્ય નથી. આ વાત સાંભળીને એ પંડિત ચૂપ થઈ ગયો. પછી આ પંડિતે વિચાર કર્યો. "આ બ્રાહ્મણને દ્રવ્યનો સંકોચ બહુ છે." તેથી તે પંડિતની પાસે પારસમણી હતો તે તેને આપ્યો ત્યારે તે બ્રાહ્મણે ગંગાજીમાં ફેંકી દીધો. જયારે તે પંડિત કહ્યું" મારો પારસમણી પાછો આપો. " બ્રાહ્મણે કહ્યું" મણી શા કામનો હતો. પંડિતે કહ્યું "લોઢાનું સોનુ કરે છે" ત્યારે તે બ્રાહ્મણે પંડિતને કહ્યું આ દરવાજા ઉપર શીલા પડી છે, તેની સાથે લોઢું ઘસો તો સોનુ થઈ જશે. પંડિતે એ પ્રમાણે કર્યું તો સોનુ થઈ ગયું. પંડિત વિચારીને ચકિત થયો અને બ્રાહ્મણને પગે લાગ્યો. અને તે બ્રાહ્મણને કહ્યું મને કંઈ પણ સમજણ પડતી નથી. મેં ઘણાં કષ્ટ સહન કર્યાં ત્યારે મહાદેવજીએ આ મણી મને આપ્યો હતો. આ મણી જેવા તો તમારે દરવાજે પથ્થર પડ્યા છે. તો મારે બુદ્ધિ કામ કરતી નથી. બ્રાહ્મણે કહ્યું તમે શાસ્ત્રોનો વિચાર કરો કે મહાદેવજીએ તમને મણી આપ્યો તે મહાદેવજી હંમેશાં ગંગાજી ને પોતાના મસ્તક ઉપર રાખે છે તો આ ગંગાજીના કિનારા ઉપર એવા અનંતમણી હોય એમાં આશ્ચ્રર્ય શું? આ ગંગાજી વિષ્ણુના ચરણારવિંદમાંથી પ્રકટ થયાં છે. તો વિષ્ણુના દાસ આ મણીને તુચ્છ માને એમાં આશ્ચર્ય શું છે? પછી આ પંડિત પગે લાગ્યો અને બ્રાહ્મણને કહ્યું " મને વિષ્ણુનો દાસ બનાવો." ત્યારે આ બ્રાહ્મણ પંડિતને શ્રી ગોકુળ લઈ ગયાં અને શ્રીગુંસાઈજીના સેવક કરાવડાવ્યાં. માર્ગની સઘળી રીત શીખવાડી. એ બ્રાહ્મણ શ્રીગુંસાઈજીના એવા કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 40 માં.
(સાર) (1) લૌકિકમાં પ્રાણયાત્રા કરવાને જેટલાં શ્રમની જરુર પડે તેટલોજ કરવો, બાકીનો વખત પ્રભુ માટે ગાળવો. (2) મહાપ્રસાદમાં લૌકિક પદાર્થની ગંધ નહીં રાખવી. બહુ પ્રેમથી મહાપ્રસાદ લેવો તેમ અન્યને લેવડાવવો. (3) ભગવત્સેવા અને ભગવદદર્શન સિવાય બીજે ચિત્તને દોરવું નહીં. (4) વૈષ્ણવને કાળ કે કર્મ કંઈ પણ બાધા કરી શકતાં નથી. (5) પ્રભુભક્તિ સિવાય અન્ય આઠ સિદ્ધિઓની પણ ભગવાનના ભક્તે દરકાર કરવી નહીં, તેને તો એ બધું તુચ્છ જેવું લાગવું જોઈએ. (6) હરિનું નામ તેજ પ્રભુના ભક્તનું પરમ ધન છે.
હરિજનકુ હરિનામ બડો ધન,હરિજનકુ હરિ નામ;
બીન રખવાલે ચોર નહિ ચોરત,સોવત હે સુખધામ. બડો ધન. 1
દિન દિન હોત સવાઈ ઢેરી,ઘટત નહિ કછુ દામ. બડો ધન. 2
સુરદાસ પ્રભુ સેવા જાકી, પારસસુ કહા કામ. બડો ધન. 3
હરિજનકુ હરિનામ બડો ધન,હરિજનકુ હરિ નામ;
બીન રખવાલે ચોર નહિ ચોરત,સોવત હે સુખધામ. બડો ધન. 1
દિન દિન હોત સવાઈ ઢેરી,ઘટત નહિ કછુ દામ. બડો ધન. 2
સુરદાસ પ્રભુ સેવા જાકી, પારસસુ કહા કામ. બડો ધન. 3
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો