252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 46 મી. વૈષ્ણવ 46 માં. શ્રીગુસાંઇજીના સેવક વાઘાજી રાજપૂતની વાર્તા.
પ્રસંગ 1 લો :- એ તથા તેમની સ્ત્રી ઘરમાં શ્રીઠાકોરજીને પધરાવીને નિત્ય સેવા કરતા હતા. એક બે વૈષ્ણવોને ભોજન કરાવતા. એક દિવસ વાઘાજીએ એક વૈષ્ણવને પ્રસાદ લેવાનું આમંત્રણ કર્યું અને તવાપુરીની સામગ્રી કરાવી. તે દિવસે શૃંગાર કરીને વાઘાજી રાજાની સવારીમાં ગયા. ઘી થોડું હતું. તેથી વાઘાજીની સ્ત્રીએ થોડું ઘી રાજભોગમાં ધર્યું. વાઘાજીના શ્રીઠાકોરજીએ વાઘાજીને જણાવ્યું "ઘી થોડું છે અને તવાપુરી ગળામાં ખુંચે છે. આથી વાઘાજીને ઘણી આતુરતા થઈ. ત્યાંથી દોડયા અને બજારમાંથી ઘી લઈને શ્રીઠાકોરજીની આગળ ધર્યું. પહેરેલા કપડાં સહિત મંદિરમાં ગયા. કશું ભાન રહ્યું નહીં. પણ શ્રીઠાકોરજીને શ્રમ થશે એ વાત ધ્યાનમાં રહી. અનાચાર થશે એ વાત ધ્યાનમાં ન રહી. ત્યારે ઘી ધરીને ફરીથી રાજાની સવારીમાં ગયા. આ વખતે જે વૈષ્ણવ ત્યાં બેઠો હતો તેમના મનમાં એમ આવ્યું. "જોડા પહેરીને મંદિરમાં જઈને ઘી ધર્યું છે. તેથી એમણે આચાર વિચાર કશો રાખ્યો નથી. એમના ઘરનો પ્રસાદ લેવો નહીં." આમ વિચાર કરીને ઉઠી ગયો. જયારે વાઘાજી આવ્યા ત્યારે આ વૈષ્ણવને બોલાવા ગયા. ત્યારે તે વૈષ્ણવ સંતાઈ ગયો. આથી વાઘાજી ઘેર આવ્યા, એ અને એમનાં સ્ત્રી ભૂખ્યાં રહ્યાં. ત્રણ દિવસ સુધી તે વૈષ્ણવ આવ્યો નહીં. વાઘાજી ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યાં. એ વૈષ્ણવના શ્રીઠાકોરજીએ તે વૈષ્ણવની સ્ત્રીને જણાવ્યું "હું તમારા ઘરમાંથી જતો રહીશ. વાઘાજી ઉપર નકામો દોષ આણ્યો છે.એનું ચિત્ત તો મારામાં હતું. દેહનું ભાન કશું પણ નહતું. માટે તમારા ઘરમાં નહીં બિરાજું. આ પ્રમાણે સાંભળીને તે વૈષ્ણવની સ્ત્રી જાગી ઉઠી પોતાના પતિને આ હકીકત કહીં તો તે વાઘાજીને ઘેર જઈને પગે લાગ્યો. અને અપરાધ ક્ષમા કરાવ્યો. બન્નેએ મળીને મહાપ્રસાદ લીધો. આ વાઘજી એવા કૃપાપાત્ર હતા. એમનું દુઃખ શ્રીઠાકોરજી સહન કરી શક્યા નહીં. એમની કેટલીક વાર્તા કહીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 46 માં.
(સાર) (1) વૈષ્ણવોએ મહાપ્રસાદનો કદી પણ અનાદર કરવો નહીં. (2) વૈષ્ણવોના દોષ જોવા નહીં. (3) ભગવદીયોનાં લૌકિક આચરણ જોવા નહીં, તેમની લૌકિક કૃતિઓ આપણને ગમેતેવી જણાતી હોય પણ તેમનો અલૌકિક ભાવ અતિ ગ્રુઢ છે.
આ પરમ ભગવદીયના શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજી મુંબઈમાં મોટા મંદિરમાં શ્રીગોકુલનાથજી મહારાજને માથે, શ્રીબાલકૃષ્ણજીની સાથે બિરાજે છે.
આ ભગવદીયની વાર્તા ભાવ સિન્ધુ નામના ગ્રંથમાં આપેલી છે તે પુસ્તક અમારા તરફથી પ્રકટ થયું છે. તેમાંથી કેટલોક પ્રસંગ જે આ વાર્તામાં અહીંયા નથી તે આપીએ છીએ.
એકવાર શ્રીગુંસાઈજી પરદેશ પધાર્યા હતા. રસ્તામાં વાઘાજીના ગામમાં મુકામ કર્યો. ત્યાંના વૈષ્ણવોએ વાજતે ગાજતે શ્રીગુસાંઇજીને ગામમાં પધરાવ્યા હતા. વાઘાજી આ સમયે રાજમહેલમાંથી આવતા હતા. માર્ગમાં શ્રીગુસાંઇજીના દર્શન કર્યાં. અને પછીથી શ્રીગુંસાઈજીના મુકામ ઉપર ગયા ત્યાં જઈને હાથ જોડી દૂર ઉભા રહ્યા, હૃદય ઉત્કંઠાથી ઘણું આતુર હતું. વાઘાજીના હૃદયની આર્તિ શ્રીગુંસાઈજીએ તંબુમાં રહીને જાણી તેથી સહન કરી શક્યા નહીં. આ સમય આપે એક વૈષ્ણવને આજ્ઞા કરી કે પેલો રાજપૂત જે બહાર ઉભો રહ્યો છે તેને અંદર લાવો. આ સમયે વૈષ્ણવ વાઘાજી પાસે ગયો કે તમને શ્રીગુંસાઈજી અંદર બોલાવે છે. આ સાંભળીને વાઘાજીના હર્ષ નો પાર રહ્યો નહીં તેમના જામાનો બંધ તૂટી ગયો, ઢાલ તલવાર પણ પડી ગયા. અને એકદમ જઈને શ્રીગુસાંઇજીના ચરણારવિંદમાં પડ્યાં. શરીરની શુદ્ધિ રહી નહીં. શ્રીગુંસાઈજીએ શ્રીહસ્ત માથે મૂકીને તેમને સાવધાન કર્યા. નેત્રોમાંથી અશ્રુધારા વહેવા લાગી. પણ શ્રીગુસાંઇજીએ શ્રીમુખથી આજ્ઞા કરી. વાઘાજી સાવધાન થાઓ! એ સાંભળીને વાઘાજીનું હૃદય શીતળ થયું, પછી તેમણે વિનતી કરી. મહારાજ મને આપનો દાસ બનાવો, પછીથી શ્રીગુંસાઈજીએ નામ સંભળાવ્યું. તથા તેમને તથા તેમની સ્ત્રીને નિવેદન મંત્ર આપ્યો. આપ્રમાણે તે બન્ને જણાં શ્રીગુસાંઇજીના સેવક થયા. પછી વાઘાજીએ શ્રીગુસાંઇજીને વિનંતી કરી "રાજ હવે અમને શી આજ્ઞા છે? ત્યારે શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી" તમારે ક્ષત્રિયો નું ખાન પાન કરવું નહીં. વાઘાજીએ કહ્યું "હવેથી અમે તે પ્રમાણે કરીશું નહીં. અત્યાર સુધી જે થયું તે ખરું. પછી શ્રીગુસાંઇજીએ તે બન્નેને શ્રીઠાકોરજીની સેવા કરવાને આજ્ઞા કરી. તથા સેવાની વિધિ પણ સમજાવી. આ પ્રમાણે શ્રીગુંસાઈજી આજ્ઞા કરીને શ્રીગોકુળ પધાર્યા. પછી આ સ્ત્રી પુરુષ પ્રેમથી શ્રીઠાકોરજીની સેવા કરવા લાગ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો